અમદાવાદ : ટ્રમ્પ માટે મોટેરા સ્ટેડિયમ નજીક ખાસ હેલિપૅડ બંધાશે

03 February, 2020 11:56 AM IST  |  Ahmedabad

અમદાવાદ : ટ્રમ્પ માટે મોટેરા સ્ટેડિયમ નજીક ખાસ હેલિપૅડ બંધાશે

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદની મુલાકાતે આવવાના છે. આ સૂચિત કાર્યક્રમને લઈને વહિવટી તંત્રએ કમર કસી લીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. ડોનલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ બાદ વિશ્વના
સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાની મુલાકાતે આવશે એવું સૂત્રો જણાવી રહ્યાં છે. દરમિયાન મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પની મુલાકાત માટે સ્ટેડિયમ નજીક હેલિપૅડ તૈયાર કરવામાં આવશે. સ્ટેડિયમના કમ્પાઉન્ડ પાસે હનુમાન મંદિર પાસેથી ટ્રમ્પ અને વડા પ્રધાન મોદી સહિતના વીવીઆઇપીની એન્ટ્રી થશે. ફેબ્રુઆરીમાં અમદાવાદમાં ‘હાઉડી મોદી’ની જેમ ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે કેટલાક એનઆરઆઇ ભારતીયોએ ગુજરાતમાં ધામા નાખી દીધા છે. જોકે હજી આ કાર્યક્રમને સત્તાવાર સમર્થન નથી મળ્યું, પરંતુ આ મુલાકાત અંગે ખુદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ નિવેદન આપ્યું હતું.
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ગયેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દિલ્હીમાં નિવેદન આપ્યું હતું કે ડોનલ્ડ ટ્રમ્પ સાબરમતી રીવરફ્રન્ટની મુલાકાતે આવવાના છે જેનો વિકાસ વડા પ્રધાન મોદીએ કર્યો છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખની સંભવિત મુલાકાતને લઈને સાબરમતી વિસ્તારમાં રસ્તાનાં કામો પૂરજોશમાં છે.

gujarat ahmedabad donald trump