અમદાવાદમાં ૫૭ ભયજનક પાણીની ટાંકીઓ ૪૫ દિવસમાં ઉતારી લેવા કરાયું આયોજન

07 November, 2019 08:58 AM IST  |  Ahmedabad

અમદાવાદમાં ૫૭ ભયજનક પાણીની ટાંકીઓ ૪૫ દિવસમાં ઉતારી લેવા કરાયું આયોજન

અમિત શાહ

ગુજરાતના અમદાવાદ શહેરમાં ઓવરહેડ પાણીની ટાંકી તૂટી પડવાની ઘટના બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મ્યુનિસિપલ કમિશનર સાથે પાણીની ટાંકીઓની સ્થિતિ અંગે સમીક્ષા કરીને સૂચના આપતાં અમદાવાદમાં ૫૭ ભયજનક પાણીની ટાંકીઓ ૪૫ દિવસમાં ઉતારી લેવા માટે મ્યુનિસિપલ કૉર્પોરેશને આયોજન હાથ ધર્યું છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાક મહિનામાં પાણીની ટાંકીઓ તૂટી પડવાની ઘટનાઓ બની હતી. ૩ નવેમ્બરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના મતવિસ્તાર ઘાટલોડિયામાં પાણીની ટાંકી તૂટી પડી હતી. આ અંગે અમિત શાહે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સાથે ટેલિફોન પર વાત કરીને માહિતી મેળવી હતી. અમિત શાહે જર્જરિત ટાંકીઓનો રિપોર્ટ માગીને ભયજનક ટાંકીઓ ઉતારી લેવાની કામગીરી સમયસર પૂરી કરવા મ્યુનિસિપલ કૉર્પોરેશનને સૂચના આપી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રિપોર્ટ મેળવ્યો છે. મારી સાથે ટેલિફોન પર ચર્ચા કરી સમીક્ષા કરી હતી. ઝડપથી કામ સમયમર્યાદામાં પૂરું કરવા ગૃહપ્રધાનની સૂચનાના સંદર્ભમાં ભયજનક ઓવરહેડ ટાંકીઓ ૪૫ દિવસમાં ઉતારી લેવામાં આવશે.’
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કુલ ૧૯૧ ટાંકીઓ છે જે પૈકી વપરાશમાં ન હોય એવી ૭૩ ઓવરહેડ પાણીની ટાંકીઓ છે. ૧૧૮ ટાંકીઓ વપરાશમાં છે જેમાંથી ૨૬ ઓવરહેડ ટાંકીઓ જર્જરિત છે. હાલના સંજોગોમાં અમદાવાદમાં બિનવપરાશી ૭૩ ટાંકીઓ અને ૨૬ જર્જરિત ટાંકીઓ મળીને કુલ ૯૯ ટાંકીઓ છે જેમાંથી ૪૨ ઓવરહેડ ટાંકીઓ ઉતારી લેવામાં આવી છે અને બાકીની ૫૭ ટાંકીઓ ઉતારી લેવાની કામગીરી ચાલુ કરી છે.

gujarat ahmedabad amit shah