સાબરમતી જેલમાં 16 કર્મચારી અને 54 કેદી કોરોનાગ્રસ્ત થતાં ખળભળાટ

27 June, 2020 03:24 PM IST  |  Ahmedabad | Agencies

સાબરમતી જેલમાં 16 કર્મચારી અને 54 કેદી કોરોનાગ્રસ્ત થતાં ખળભળાટ

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસનો ખતરો સામાન્ય વ્યક્તિઓમાંથી હવે નેતાઓમાં ફેલાયો છે અને હવે ધીમેધીમે અમદાવાદ સાબરમતી જેલમાં કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ સાબરમતી જેલમાં ૧૬ કર્મચારીઓ અને ૫૪ કેદીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે. એટલું જ નહીં, સાબરમતી જેલ ડીવાયએસપી ડી. વી. રાણા પણ કોરોના પૉઝિટિવ આવ્યા છે. આ તમામ કેદીઓમાં ગુજરાતના સિરિયલ બ્લાસ્ટના ૧ આરોપીને પણ કોરોના પૉઝિટીવ આવ્યો છે. રાજ્યમાં હવે ધીમેધીમે કોરોના વાઇરસ બેકાબૂ બની રહ્યો છે. અમદાવાદમાં સાબરમતી જેલના અધિકારીઓ અને કેદીઓ કોરોનાનો શિકાર બનતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે સાબરમતી જેલ પ્રશાસનમાં ૧૬ કર્મચારી અને ૫૪ કેદીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે. જેમાં સિરિયલ બ્લાસ્ટના ૧ આરોપી સહિત ૫૪ કેદીઓ કોરોના સંક્રમિત બન્યા છે.

એટલું જ નહીં જેલ ડીવાયએસપી ડી. વી. રાણા પણ કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે. કોરોના કૅરના ૯૯મા દિવસે ગુજરાતમાં ૨૬ જિલ્લાઓમાંથી વધુ ૫૭૭ કેસ મળતાં કુલ કેસ ત્રીસ હજારે પહોંચી રહ્યા છે. વધુ ૧૮ દરદીએ દમ તોડતાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક વધીને ૧૭૫૪ થયો છે. વિતેલા ૨૪ કલાકમાં જામનગરમાં ૧૪, ભરૂચમાં ૯ કેસ વધતાં આ બન્ને જિલ્લાઓમાં પણ ચેપગ્રસ્તોની સંખ્યા ૨૦૦ નજીક થઈ રહી છે તો બીજી તરફ ગાંધીનગરમાં વધુ ૧૫ પૉઝિટિવ રિપોર્ટ મળતાં ગુરુવારે સાંજે અમદાવાદને અડીને આવેલા આ જિલ્લામાં કુલ કેસની સંખ્યા ૬૦૦ને પાર થઈ છે.

gujarat ahmedabad coronavirus covid19 lockdown gandhinagar