ગુજરાતમાં ડુંગળી બાદ બટાટાના ભાવમાં પણ ઉછાળો, કિલોનો ભાવ ૩૫ રૂપિયા થયો

18 December, 2019 10:46 AM IST  |  Ahmedabad

ગુજરાતમાં ડુંગળી બાદ બટાટાના ભાવમાં પણ ઉછાળો, કિલોનો ભાવ ૩૫ રૂપિયા થયો

ડુંગળી બાદ હવે બટાટાના ભાવમાં પણ વધારો થતાં ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સામાન્ય દિવસોમાં ૧૫ રૂપિયો કિલો મળતા બટાટા હાલ ૩૦થી ૩૫ રૂપિયે કિલો મળી રહ્યા છે. આ સાથે દાળમાં પણ થોડા દિવસો પહેલાં જ ૩૦ રૂપિયાનો ભાવ વધ્યો હતો, જેના કારણે હવે ઘરના બજેટ શું લાવવું અને શું ન લાવવું એ મહત્ત્વનો પ્રશ્ન થઈ ગયો છે.

એક વેપારીએ જણાવ્યું કે ‘વધારે વરસાદ પડવાને કારણે બટાટાના પાકને નુકસાન થયું છે અને બીજી તરફ પંજાબમાંથી આવતા બટાટાની પણ આવક ઘટી છે, જેના કારણે બટાટાના ભાવમાં ઉછાળો આવ્યો છે. હજી નવા બટાટા પણ આવ્યા નથી. બટાટાનો હોલસેલ ભાવ જ ૨૮થી ૩૦નો થઈ ગયો છે. ગ્રાહકો પણ એવું જ કહે છે કે આટલા મોંઘા બટાટા ખાવાનું અમને પોસાતું નથી એટલે લીલી શાકભાજી લે છે અને બટાટા, ડુંગળી લેવાનું હાલ ટાળી રહ્યા છે.’
અન્ય એક વેપારીએ જણાવ્યું કે ‘પહેલાં જે ગ્રાહકો પાંચ-પાંચ કિલો બટાટા લઈ જતા હતા તે હવે એકબે કિલો લઈને સંતોષ માને છે. બટાટા લેવાનું લોકો ટાળી રહ્યા છે ત્યારે હવે આ ભાવ બટાટાની નવી આવક થશે પછી જ ઘટે એવી શક્યતા છે.’

gujarat ahmedabad