ગુજરાત અપડેટ: અમદાવાદમાં કુલ 10121 કોરોના-પૉઝિટિવ કેસ નોંધાયા

25 May, 2020 08:22 AM IST  |  Ahmedabad | Mumbai Correspondent

ગુજરાત અપડેટ: અમદાવાદમાં કુલ 10121 કોરોના-પૉઝિટિવ કેસ નોંધાયા

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ વણસતી જઈ રહી છે. ગઈ કાલ સુધીમાં ગુજરાતમાં કોરોનાના કુલ ૧૪,૦૬૩ પૉઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ કોરોના જાણે બેકાબૂ બન્યો હોય એમ પૉઝિટિવ કેસની સંખ્યા ૧૦,૧૨૧ થઈ હતી.

ગુજરાતના આરોગ્ય વિભાગે ગઈ કાલે જાહેર કરેલી કોરોનાની આંકડાકીય વિગતો મુજબ ગુજરાતમાં ગઈ કાલે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પૉઝિટિવના વધુ ૩૯૪ કેસ નોંધાયા હતા અને ૨૯ દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં તથા ૨૪૩ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ ૨૭૯ પૉઝિટિવ કેસ નોંધાયા છે અને ૨૮ દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

બીજી તરફ અમદાવાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે ગઈ કાલે જાહેર કરેલી કોરોનાની આંકડાકીય વિગતો મુજબ અમદાવાદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭ પૉઝિટિવ કેસ નોંધાયા છે અને એક પણ દર્દીનું મૃત્યુ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયું નથી એટલે કે ગુજરાત સરકારે ગઈ કાલે જાહેર કરેલા કુલ પૉઝિટિવ કેસમાંથી અમદાવાદ જિલ્લા પંચાયતના કેસને બાદ કરતાં અમદાવાદ શહેરમાં ગઈ કાલે વધુ ૨૭૨ કોરોના-પૉઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ૨૮ દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૪,૦૬૩ પૉઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ૮૫૮ દર્દીઓનાં મૃત્યુ થયાં છે. જોકે બીજી તરફ ૬૪૧૨ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૬૭ દર્દીઓ વેન્ટિલેટર પર છે અને ૬૭૨૬ દર્દીઓ સ્ટેબલ છે.

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૦,૧૨૧ પૉઝિટિવ કેસ નોંધાયા છે અને ૬૯૦ દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

gujarat ahmedabad gandhinagar coronavirus covid19 lockdown