ગુજરાત: ડાંગમાં વઘઈ–સાપુતારા–આહવા માર્ગ પર સેલ્ફી પર પ્રતિબંધ મુકાયો

17 July, 2019 07:24 AM IST  |  અમદાવાદ

ગુજરાત: ડાંગમાં વઘઈ–સાપુતારા–આહવા માર્ગ પર સેલ્ફી પર પ્રતિબંધ મુકાયો

સાપુતારા માર્ગ પર સેલ્ફી પર પ્રતિબંધ મુકાયો

ચોમાસા દરમ્યાન ડાંગમાં વરસાદ પડતાં ડાંગનો આહ્‍લાદક નજારો માણવા સહેલાણીઓનો ધસારો થાય છે.

ડાંગના રસ્તાઓની બીજી બાજુથી નદીઓ વહેતી હોય છે, રસ્તા પર નાના-મોટા ધોધ પડતા હોય છે જેથી સહેલાણીઓ રસ્તાની બાજુમાં વાહન પાર્ક કરીને સેલ્ફી લેવા અને ફોટો પાડવાનું મન રોકી શકતા નથી અને સેલ્ફી લેતા હોય છે તેમ જ ફોટો પાડતા હોય છે એટલે માર્ગ પર કોઈ અકસ્માત ન સર્જાય એ માટે વહીવટી તંત્રે સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂક્યો છે.

ડાંગ–આહ્‍વાના અધિક જિલ્લા મૅજિસ્ટ્રેટ ટી. કે. ડામોરે ડાંગ જિલ્લામાં વઘઈ–સાપુતારા રાજ્ય ધોરી માર્ગ અને વઘઈ–આહ્‍વા–સાપુતારા રોડ પર વાહનો પાર્ક કરવા તેમ જ મોબાઇલમાં સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે. આ પ્રતિબંધ ડાંગ જિલ્લાના સાપુતારા ગિરિનગર નોટિફાઇડ એરિયા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના મહેસુલી વિસ્તારમાં લાગુ પડશે અને આ હુકમ બે મહિના સુધી અમલમાં રહેશે.

આ પણ વાંચો : સિધ્ધપુર-પાલનપુર અને મહેસાણા-સિધ્ધપુર રોડ બનશે 6 લેન, 445 કરોડ મંજૂર

ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમ્યાન વઘઈ–સાપુતારા રાજ્ય ધોરી માર્ગ તથા વઘઈ-આહ્‍વા–સાપુતારા રોડ પર પ્રવાસીઓની સંખ્યામાં ઘણો ધસારો રહેતો હોવાથી આ માર્ગ પર પ્રવાસીઓ તેમ જ અન્ય વાહનચાલકો રસ્તાની બાજુમાં તેમનાં વાહન પાર્ક કરીને મોબાઇલમાં સેલ્ફી લેવાના ક્રેઝમાં વધારો થયો છે. તેમનાં વાહન રસ્તાની બાજુમાં પાર્ક થતાં માર્ગ-અકસ્માત થવાની સંભાવનાઓ વધે છે તેમ જ માર્ગમાં ટ્રાફિકને માટે અડચણ ઊભી થાય છે જેથી આ માર્ગ પર રસ્તાની બાજુમાં વાહન પાર્ક કરવા તથા સેલ્ફી લેવા પર પ્રતિબંધ આવશ્યક હોવાથી પ્રતિબંધ ફરમાવાયો છે.

gujarat