આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે, અમદાવાદમાં યલો અલર્ટ

15 May, 2019 07:54 AM IST  |  અમદાવાદ | (જી.એન.એસ.)

આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે, અમદાવાદમાં યલો અલર્ટ

હિટ-વેવ

રાજ્યમાં કેટલાક સમયથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ તો ક્યાંક ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમી યથાવત્ રહેતાં લોકો ત્રાસી રહ્યા છે ત્યારે રાજ્યમાં બે દિવસ તાપમાન યથાવત્ રહેશે જેને લઈને બે દિવસ માટે એએમસીએ યલો અલર્ટ જાહેર કર્યું છે.

મહત્વનું છે કે રાજ્યમાં બે દિવસ તાપમાન યથાવત્ રહેતાં અમદાવાદીઓને ગરમીથી શેકાવું પડશે જેને લઈ બે દિવસ માટે એએમસીએ યલો અલર્ટ જાહેર કર્યું છે.

જોકે ૨૦ મે પછી શહેરમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી પાર જવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. વધુમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં લો-પ્રેશર થવાના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતાઓ છે. સ્થાનિક હવામાન વિભાગની આગાહી કહે છે કે આગામી રવિવારથી મંગળવાર સુધી ગરમીનો પારો ઊંચકાઈને ૪૩-૪૪ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના હોવાથી શહેરીજનોએ આકરા તાપમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો : સુરતઃ હવેથી જાહેરમાં નહીં મનાવી શકાય જન્મદિવસ, કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમ ઈરાનમાં સર્જા‍યેલું અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન ૧૫ મેથી દક્ષિણ પાકિસ્તાન વિસ્તારોમાં પહોંચશે જેની અસરોથી ૧૮ મે સુધી તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેશે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની શક્યતા છે.

gujarat ahmedabad rajkot