ગુજરાત: 80 વર્ષના રસીલાબહેન દોશી પણ અમદાવાદમાં આજે દીક્ષા લેશે

30 January, 2020 09:53 AM IST  |  Mumbai | Shailesh Nayak

ગુજરાત: 80 વર્ષના રસીલાબહેન દોશી પણ અમદાવાદમાં આજે દીક્ષા લેશે

મીરા રોડમાં રહેતાં 80 વર્ષનાં રસીલાબહેન વિનોદરાય દોશી.

પોતાની ચાર દીકરીઓએ દીક્ષા લીધા બાદ હવે મીરા રોડમાં રહેતાં ૮૦ વર્ષનાં રસીલાબહેન વિનોદરાય દોશી આજે અમદાવાદમાં દીક્ષા લેશે એટલું જ નહીં, રસીલાબહેન સહ‌િત મુંબઈના ૧૦ મુમુક્ષુઓ સંસાર ત્યાગી આજે અમદાવાદમાં સંયમ ધર્મ અંગીકાર કરીને દીક્ષા લેશે.

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આચાર્યદેવ શ્રીમદ વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા. સહિત અનેક સાધુ–સાધ્વીજીઓની નિશ્રામાં આજે સવારે યોજાનારા દીક્ષા મહોત્સવમાં મુંબઈના ૧૦ સહિત ૨૪ મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરશે. મુંબઈના ભાયખલામાં રહેતા ૧૪ વર્ષના ધીરકુમાર મનોજ જૈનથી લઈને ૮૦ વર્ષનાં રસીલાબહેન દોશી દીક્ષા લેશે.

મુંબઈના મીરા રોડમાં રહેતાં મૂળ સાવરકુંડલાનાં ૮૦ વર્ષનાં રસીલાબહેન દોશી દીક્ષા લેશે. રસીલાબહેનના દીકરા કુમારપાળ દોશીએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘અગાઉ મારી ચાર બહેનોએ દીક્ષા લીધી છે અને હવે મમ્મી પણ દીક્ષા લઈ રહી છે એટલે ચાર દીકરીઓએ દીક્ષા લીધા બાદ હવે માતા પણ દીક્ષા લેશે. મમ્મીનું નાનપણથી દીક્ષા લેવાનું મન હતું, જે હવે પૂરું થયું છે.’

મુંબઈના વાલકેશ્વરમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યો માતા–પિતા અને ભાઈ–બહેન દીક્ષા લેશે જેમાં સંદીપ જૈન, તેમનાં પત્ની સેજલબહેન અને તેમનાં દીકરા–દીકરી વજ્રકુમાર અને લબ્ધિ, ભાયખલામાં રહેતા ધીરકુમાર જૈન, વાલકેશ્વરમાં રહેતી પ્રિયાંશી જોગાતર, ક્લ્યાણમાં રહેતી ઉષ્મા મંડલેચા, મુલુંડમાં રહેતાં વર્ષાબહેન દોશી અને ચારુબહેન દોશી પણ દીક્ષા લેશે.

આ પણ વાંચો : રાજ્યમાં ઠંડીનું જોર ફરી વધશે, બે દિવસ કોલ્ડ વેવની આગાહી

આજે યોજાનારા દીક્ષા મહોત્સવમાં આચાર્યદેવ શ્રીમદ વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા. ૨૪ મુમુક્ષુઓને જીવનભર પાપ નહીં કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવશે અને જીવન માટેની અંતિમ મહત્ત્વની હ‌િતશ‌િક્ષા–બોધપાઠ આપશે.

gujarat ahmedabad mira road shailesh nayak