સુરત: રાષ્ટ્રપિતાનું હડહડતું અપમાન, ગાંધીજીના હત્યારાનો જન્મદિવસ ઊજવાયો

21 May, 2019 07:03 AM IST  |  સુરત

સુરત: રાષ્ટ્રપિતાનું હડહડતું અપમાન, ગાંધીજીના હત્યારાનો જન્મદિવસ ઊજવાયો

નાથુરામ ગોડસે

દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેના જન્મદિવસની સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજીના હત્યારાના જન્મદિવસની ઉજવણી કરાતાં લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા આ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. 

કાર્યકરો દ્વારા નાથુરામ ગોડસેની તસવીર હનુમાન મંદિરમાં મૂકવામાં આવી હતી અને તેની સામે ૧૦૯ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ મંદિરની અંદર જ ભજન ગાઈ લાડુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને આ બનાવમાં જન્મદિનની ઉજવણી કરનારા સામે યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી છે.

૮ વ્યક્તિઓની ધરપકડ

ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે મહાત્મા ગાંધીના ગુજરાતમાં પૂજ્ય બાપુના હત્યારા ગોડસેની જન્મજયંતીની ઉજવણી ચલાવી લેવાશે નહીં. રાજ્ય સરકારનાં ત્વરિત પગલાં અને કડક સૂચનાઓના પરિણામે ઉજવણી કરનારાં તત્ત્વો સામે એફઆઇઆર દાખલ કરાઈ છે અને એ તમામની અટકાયત પણ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું છે કે ગુજરાત પૂજ્ય બાપુની જન્મભૂમિ અને કર્મભૂમિ છે ત્યારે તેમની પ્રતિષ્ઠા એક ટકો પણ હણાય નહીં એ માટે રાજ્ય સરકાર ચિંતા કરી રહી છે. ગોડસેના નામે ગુજરાતની શાંતિ હણાય નહીં તથા ગુજરાતીઓની લાગણી દુભાય નહીં એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સુરત ખાતે ગોડસેના જન્મદિવસની થયેલી ઉજવણીને રાજ્ય સરકારે કડક શબ્દોમાં આલોચના કરીને વખોડી કાઢી છે.

આ પણ વાંચો : ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ, જાણો કેટલો થયો વધારો

ઉજવણી મામલે નાયબ મુખ્ય પ્રધાનની પ્રતિક્રિયા

સુરતમાં નાથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી મામલે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે બીજેપી નીતિ સ્પષ્ટ છે કે ગાંધીજી વિશે ટીકા કરે એ ચલાવી નહીં લેવામાં આવે. સુરત જેવા બનાવોની બીજેપી ટીકા કરે છે. અમારો પક્ષ અને નેતાઓની વિચારસરણી સ્પષ્ટ છે. ગાંધીજીની કામગીરી વિશે કોઈ ટીકા બીજેપી નહીં ચલાવી લે. દેશના રાષ્ટ્રપિતાએ હજારો વર્ષ માટે સ્વીકારવો પડે એવો સંદેશ આપ્યો છે. ગાંધીજીના વિચારો નવી પેઢી સુધી પહોંચે એવા અમારા પ્રયત્નો છે.

nathuram godse mahatma gandhi surat gujarat