ગિરનારની લીલી પરિક્રમા પહેલાં સાધુ-સંતોમાં રોષ

21 November, 2023 09:25 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ઉદ્ઘાટનનો કર્યો બહિષ્કાર : તંત્ર પણ પ્રશ્નો નહીં સાંભળતું હોવાનો કર્યો આક્ષેપ : યાત્રાળુઓની સુરક્ષા માટે છ રેસ્ક્યુ ટીમ તહેનાત રહેશે : ૭૧ અન્નક્ષેત્રને પરવાનગી

વન વિભાગ દ્વારા લીલી પરિક્રમાના માર્ગ પર પ્રકૃતિના જતન સહિતના સંદેશ આપતાં સાઇન બોર્ડ અને હોર્ડિંગ્સ લગાવ્યાં છે

સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ ગરવા ગઢ ગિરનારની ગોદમાં શરૂ થવા જઈ રહેલી લીલી પરિક્રમા પહેલાં સાધુ-સંતોમાં રોષ વ્યાપ્યો છે અને તંત્ર પ્રશ્નો નહીં સાંભળતું હોવાના આક્ષેપ કરીને લીલી પરિક્રમાના ઉદ્ઘાટનનો બહિષ્કાર કર્યો છે. બીજી તરફ જૂનાગઢ શહેરના સત્તાવાળાઓએ વહેલી તકે અસુવિધાનું નિવારણ લાવવાની હૈયાધારણ આપી છે. એટલું જ નહીં, યાત્રાળુઓની સુરક્ષા માટે છ રેસ્ક્યુ ટીમ તહેનાત રહેશે તેમ જ તંત્ર દ્વારા ૭૧ અન્નક્ષેત્રને પરવાનગી અપાઈ છે.

જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વતની ફરતે પરંપરાગત રીતે યોજાતી લીલી પરિક્રમાનો ૨૩ નવેમ્બરથી આરંભ થશે. આ પરિક્રમાના ઉદ્ઘાટનનો સ્થાનિક સંતોએ બહિષ્કાર કર્યો છે એ મુદ્દે મીડિયા સાથે વાત કરતાં મહંત મહેશગિરિએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘અહીંના સ્થાનિક સંતો, વેપારીઓ, ડોળીમંડળ, ઉતારામંડળના પ્રશ્નો સાંભળવા માગતા નથી એટલા માટે અમે મેળાના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરીએ છીએ. મેળો તો થશે અને ૧૦૦ ટકા થશે. બધા ભક્તોને કહીએ છીએ કે તમે લાખોની સંખ્યામાં આવો અને સનાતનની પરંપરાને જાળવો.’

બીજી તરફ જૂનાગઢનાં મેયર ગીતા પરમારે મીડિયાને કહ્યું હતું કે ‘સાધુ-સંતોને કોઈ જાતનું દુઃખ ન પડે, લોકોને પણ કોઈ તકલીફ ન પડે અને ખૂબ સારી રીતે લીલી પરિક્રમા કરવામાં આવી છે, એમાં લોકોને સગવડતા મળી રહે એના માટે અમારા પ્રયત્નો રહેશે. સૂચના આપી છે કે બાપુએ જે પ્રતિક્રિયા આપી છે જે રોડ-રસ્તાની અસુવિધા બતાવી છે એનું વહેલી તકે નિવારણ કરીશું.’

યાત્રાળુઓની સુવિધાના મુદ્દે માહિતી આપતાં નાયબ વન સંરક્ષક અક્ષય જોષીએ કહ્યું હતું કે ‘યાત્રાળુઓને પરિક્રમા દરમ્યાન ભોજન માટે અગવડતા ન પડે એ માટે ૭૧ જેટલાં અન્નક્ષેત્રને પરવાનગી આપવામાં આવી છે. પીવાના પાણી માટે વન વિભાગ દ્વારા ૧૫ જેટલાં પૉઇન્ટ ઊભાં કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત પીવાના પાણીની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે. પરિક્રમા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને યાત્રાળુઓની સુરક્ષા માટે વેટરનરી ડૉક્ટર અને ટ્રૅકર સાથેની છ રેસ્ક્યુ ટીમ બનાવવામાં આવી છે. યાત્રાળુઓ પણ વન્ય પ્રાણીઓને ન છંછેડે એ પણ હિતાવહ છે.’

તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘આ વર્ષે ભારે વરસાદના કારણે પરિક્રમાના રસ્તાઓ અને કેડીઓનું ભારે ધોવાણ થયું હતું જે વન વિભાગ દ્વારા મરામત કાર્ય કરવામાં આવ્યું છે. ગિરનાર અભયારણ્ય ક્ષેત્ર હોવાથી પરિક્રમા રૂટ પર મોબાઇલ નેટવર્ક ન હોવાથી વન વિભાગ સહિતનો સ્ટાફ વાયરલેસ વૉકીટૉકી સાથે તહેનાત રહેશે અને યાત્રાળુઓની મુશ્કેલી નિવારવા ખડેપગે રહેશે. પરિક્રમામાં સહભાગી થનારા ભાવિકોની સંખ્યાની નળપાણી અને ગિરનાર સીડી ખાતેથી ગણતરી કરવામાં આવશે. વયોવૃદ્ધ અને જરૂરિયાતમંદ ભાવિકો પરિક્રમા સરળતાથી કરી શકે એ માટે તેમને લાકડી આપવામાં આવશે.’

saurashtra gujarat gujarat news shailesh nayak