ગુજરાતમાં રેસ્ટોરાં હવે રાતે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે

31 July, 2020 01:42 PM IST  |  Gandhinagar | Agencies

ગુજરાતમાં રેસ્ટોરાં હવે રાતે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે

પ્રતીકાત્મક તસવીર

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલૉક-3 સંદર્ભે ભારત સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહતત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર મુખ્ય પ્રધાતે રાજ્યમાં ૧ ઑગસ્ટથી રાત્રિ-કરફ્યુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં દુકાનો ૮ વાગ્યા સુધી તેમ જ હોટેલ-રેસ્ટોરાં રાતે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને એસઓપી મુજબ રાજ્યમાં જિમ અને યોગ સેન્ટર પાંચમી ઑગસ્ટથી ખોલી શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઇડલાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું છે.

અહીં જણાવવાનું કે ગઈ કાલે એટલે કે બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક-3ની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે મુજબ અનેક છૂટછાટ વધારાઈ છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં પાંચમી ઑગસ્ટથી જિમ ખોલવાની પરવાનગી આપી છે અને સાથે જ સરકારે નાઇટ-કરફ્યુને હટાવી દીધો છે. મેટ્રો, રેલ અને સિનેમાઘર પર પાબંધી યથાવત્ રહેશે. સરકારે કહ્યું કે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમો સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે યોજાશે. આ ઉપરાંત અન્ય સ્વાસ્થ્ય પ્રોટોકૉલનું પાલન કરવું પડશે, જેમ કે માસ્ક પહેરવું. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વ્યાપક ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્કૂલ-કૉલેજ અને કોચિંગ સંસ્થા ૩૧ ઑગસ્ટ સુધી બંધ રહેશે.

gujarat gandhinagar lockdown coronavirus covid19 ahmedabad