જૂનની શરૂઆતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના

26 May, 2020 10:07 AM IST  |  Gandhinagar | Agencies

જૂનની શરૂઆતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોનાની આફત વચ્ચે કુદરતી કેર પણ ચાલુ જ છે. ગુજરાતમાં ૩ જૂનની આસપાસ જોરદાર વરસાદ પડવાની આગાહી છે. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને પરિણામે કુદરતી ઊથલપાથલ ચાલુ જ છે. ભારતમાં વાવાઝોડાનું નામ લોકોના મોઢે સુકાયું નથી ત્યાં બીજું નવું વાવાઝોડું તૈયાર થઈ રહ્યું છે. ૧૩ મેના રોજ હવામાન વિભાગે અમ્ફાન વાવાઝોડાની આગાહી આપી હતી. આ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તબાહી બોલાવી દીધી છે. તે વચ્ચે હવે ગુજરાત માટે માઠા સમાચાર લઈને આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતના અરબી સમુદ્રમાં એક નવી સાઇક્લોન પેટર્ન બની રહી છે. જે તૈયાર થતાં ગુજરાત સહિતના વિસ્તારમાં મુશ્કેલી પેદા કરી શકે છે. આ સિસ્ટમ હજુ તૈયાર થઈ રહી છે, પરંતુ જો અને તો વચ્ચે અટકેલી છે. જો આ સિસ્ટમ ભારતીય દરિયાકિનારાની વધુ નજીકથી પસાર થશે તો ચોમાસું ડિસ્ટર્બ કરી શકે છે. આ સાઇક્લોન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ૩ જૂન આસપાસ અસર કરશે. ચક્રવાત જૂનના પ્રથમ અઠવાડિયા દરમ્યાન કોઈ પણ સમયે પશ્ચિમ ભારતના ભાગોને ઘમરોળી શકે છે. આવનારા સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ પૂર્વીય સાઇક્લોનિક પેટર્ન મુજબ લો પ્રેશર સર્જાતાં ડિપ્રેશનમાં ફેરવાઈને ૩ જૂન આસપાસ ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તાર વચ્ચે અથડાતાં જૂનની શરૂઆતમાં ભારે વરસાદ પડી શકે છે અને ચોમાસું ભેજને ખેંચી જતાં મોડું બેસવાની શક્યતાને પણ નકારી શકાય નહીં. ગયા વર્ષે વાયુ વાવાઝોડાએ ગુજરાતમાં ચોમાસું મોડું બેઠું હતું.

અરબી સમુદ્રમાં હાલમાં સિસ્ટમ તૈયાર થઈ નથી, પરંતુ સિસ્ટમ તૈયાર થયા પછી પણ ગુજરાતના દરિયાકાંઠા પછી ઓમાન તરફ ફંટાવાના ચાન્સ વધારે છે.

gujarat gandhinagar ahmedabad Gujarat Rains