રાજ્યના 33 તાલુકાઓમાં મેઘમહેરઃ વઘઈમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ

10 July, 2019 09:31 AM IST  |  ગાંધીનગર

રાજ્યના 33 તાલુકાઓમાં મેઘમહેરઃ વઘઈમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ

વરસાદ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક સારો વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૬૪ મિમી એટલે કે અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૩૩ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જ્યારે ૮ તાલુકાઓમાં અડધા ઇંચ કે એથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે ૯ જુલાઈએ સવારે ૬ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન ૩૩ તાલુકાઓમાં હળવાં ઝાપટાંથી અઢી ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો, જેમાં અડધા ઇંચ કે એથી વધુ વરસાદ વરસ્યો હોય એવા ૮ તાલુકાઓનો સમાવેશ છે.

આ પણ વાંચો : સિંહદર્શન માટે ઑનલાઇન બુક કરનાર ચેતે : વનવિભાગે 6 ફેક વેબસાઇટ પકડી

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ૬૪ મિમી, આહવા તાલુકામાં ૩૦ મિમી, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૨૨ મિમી અને તાપી જિલ્લાના વ્યારામાં ૧૬ મિમી વરસાદ વરસ્યો હતો. એ ઉપરાંત ડેડિયાપાડા, વાલોદ, ચીખલી અને ધરમપુરમાં ૧૧ મિમી એટલે કે અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અન્ય ૨૫ તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ પહેલાં મેઘરાજાએ ધમાકેદાર બૅટિંગ કરી છે, જ્યારે હવે વરસાદને લઈને માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતા પાંચ દિવસ સુધી રાજ્યમાં નહીંવત્ વરસાદની સંભાવના છે; જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના ખૂબ ઓછી છે.

gujarat Gujarat Rains gandhinagar