વાવાઝોડાના ખતરા સામે ગુજરાત સરકાર અલર્ટ

14 May, 2021 01:37 PM IST  |  Gandhinagar | Agency

કચ્છ - સૌરાષ્ટ્રના કાંઠે એનડીઆરએફની ટીમો ગોઠવશે

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની મહામારી વચ્ચે અરબી સમુદ્રમાં ઉદ્ભવી રહેલા વાવાઝોડાને પગલે ગુજરાત સરકાર અલર્ટ બની છે. ‘ટાઉટે’ નામનું વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાઈ શકે છે એવી ભીતિને પગલે સરકારે સુરક્ષા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે. આ વિશે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વાવાઝોડા સામે સુરક્ષાની તૈયારી વિશેની સમીક્ષા બેઠક કરી છે.

સૌરાષ્ટ્રના સમગ્ર તંત્રને અલર્ટ આપવામાં આવ્યું છે. એ ઉપરાંત જિલ્લા કલેક્ટરોને સલામતીનાં પગલાં લેવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગને પણ સરકારે પગલાં લેવા તાકીદ કરી છે.

રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત દરિયાકાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઈ છે. કચ્છ અને સૌરાષ્ટ્ના દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તહેનાત કરવામાં આવશે. ગાંધીનગરમાં એક કન્ટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવશે જ્યાંથી વાવાઝોડા પર સીધી નજર રાખવામાં આવશે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર અને કચ્છના કલેક્ટર સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે. ખાસ કરીને કોરોનાના દરદીઓને ધ્યાનમાં રાખી વાવાઝોડાથી નુકસાન ન થાય એવાં પગલાં ભરવા સૂચનાઓ જાહેર કરાઈ છે સાથે-સાથે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટે સાવધાનીનાં પગલાં લેવા માટે તૈયારીઓ આરંભી દીધી છે.

Gujarat Rains gandhinagar kutch saurashtra arabian sea gujarat