બીજેપીમાં દિવાળી, કૉન્ગ્રેસમાં સન્નાટો : ગુજરાતની 8 બેઠક પર કમળ ખીલ્યું

11 November, 2020 10:27 AM IST  |  Gandhinagar | Agency

બીજેપીમાં દિવાળી, કૉન્ગ્રેસમાં સન્નાટો : ગુજરાતની 8 બેઠક પર કમળ ખીલ્યું

વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજય બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ગુજરાત બીજેપીના પ્રમુખ સી. આર. પાટીલ. તસવીર : પી.ટી.આઇ.

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની તમામ આઠ બેઠકો - અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડાની યોજાયેલી પેટા-ચૂંટણીના ગઈ કાલે જાહેર કરાયેલાં પરિણામમાં શાસક ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે. કોરોના રોગચાળા વચ્ચે પેટા-ચૂંટણીમાં ૬૦.૭૫ ટકા મતદાન થયું હતું. ગઈ કાલે સવારે આઠ વાગ્યાથી વિધાનસભાની આઠેય બેઠકો ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. સવારે આઠ વાગ્યાથી તમામ જિલ્લાનાં મતદાન કેન્દ્રો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. પ્રારંભિક મતગણતરીમાં બીજેપીએ આઠ બેઠક પર વિજય મેળવ્યો છે, કૉન્ગ્રેસ પાર્ટી એકેય બેઠક પર જીતી શકી નથી.

મત કેન્દ્રો ઉપર ૨૫ ખંડમાં ૯૭ ટેબલ પર ગણતરી કરવામાં આવી હતી. કુલ ૩૨૦ કર્મચારીઓ મતગણતરીનાં કાર્યમાં જોડાયા હતા. ૧૭ મતદાન મથકો પર મતગણતરી કરવામાં આવી હતી. કુલ ૯૭ ટેબલ પર મતગણતરી હાથ ધરાઈ હતી.

કોરોનાને લઈને મતગણતરી માટે તમામ કાઉન્ટિંગ કેન્દ્રોને સૅનિટાઇઝ કરવામાં આવ્યા હતા. ત્રીજી નવેમ્બરે રાજ્યમાં આઠ વિધાનસભા બેઠકો - અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા ખાતે કોરોના ગાઇડલાઇન સાથે મતદાન યોજવામાં આવ્યું હતું.

આઠેય બેઠક પર બીજેપીની જીત થઈ છે જ્યારે કૉન્ગ્રેસનો સફાયો થયો છે. ચૂંટણી પહેલાં આ આઠેય બેઠક કૉન્ગ્રેસ પાસે હતી. રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉન્ગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું હતું. આ કારણે ગુજરાતમાં પેટા-ચૂંટણી યોજવી પડી હતી. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની કુલ સભ્ય સંખ્યા વધીને ૧૧૧ પર પહોંચી છે.

પેટા-ચૂંટણી બાદ ગુજરાત વિધાનસભાની સ્થિતિ જોઈએ તો બીજેપીના ૧૧૧, કૉન્ગ્રેસના ૬૫, બીટીપીના ૨, એનસીપીના ૧, અપક્ષ ૧ ધારાસભ્ય રહ્યા છે. ૧૮૨ સભ્યસંખ્યા ધરાવતી ગુજરાત વિધાનસભામાં હાલ બે બેઠક ખાલી પડી છે. આ અંગેનો નિર્ણય ચૂંટણી પંચ તરફથી લેવામાં આવશે. હાલ દેવભૂમિ દ્વારકા અને મોરવા હડફ બેઠક ખાલી પડી છે.

અબડાસા પેટા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર પદ્યુમનસિંહ જાડેજાની જીત થઈ છે. ૩૭,૯૨૮ મતથી જીત મેળવી છે. મોરબીમાં બીજેપીના ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૬૩,૯૫૯ અને કૉન્ગ્રેસના ઉમેદવાર જયંતી પટેલને ૫૯,૫૯૫ મત મળ્યા છે. લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ ૩૫,૫૩૯ મતે જીત મેળવી છે. કરજણ બેઠકની પેટા-ચૂંટણીની બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલનો ૧૬,૪૦૯ મતથી વિજય થયો છે.

કૉન્ગ્રેસની કબર પર છેલ્લો ખીલો ઠોકવાની આ ચૂંટણી છે : વિજય રૂપાણી

રાજ્યમાં પેટા-ચૂંટણીનાં પરિણામોનું ચિત્ર ધીમેધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. તમામ બેઠકો પર બીજેપીનો ભગવો લહેરાઈ રહ્યો છે, ત્યારે ચૂંટણીનાં પરિણામો જાહેર થાય તે પહેલાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલે પ્રેસ કૉન્ફરન્સ કરીને માહિતી આપી હતી. સીએમ રૂપાણીએ પેટા-ચૂંટણીનાં પરિણામ પર પોતાનું નિવેદન આપ્યું છે.

તેમણે જણાવ્યું કે સર્વત્ર બીજેપીનો વિજય થઈ રહ્યો છે. આ ગુજરાતની જનતાનો વિજય છે. બિહારમાં પણ બીજેપી આગળ છે. બીજેપીના કાર્યકરોએ કઠિન પરિશ્રમ કર્યો છે આ તેનું પરિણામ છે. બીજેપી સરકારે પ્રજાલક્ષી કામ કર્યા છે. પીએમ નરેન્દ્ર મોદીના પ્રજાલક્ષી કામ પર લોકોએ ભરોસો મૂક્યો છે. તેમણે કૉન્ગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે હવે કૉન્ગ્રેસની કબર પર છેલ્લો ખીલો ઠોકવાની આ છેલ્લી ચૂંટણી છે. કૉન્ગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે. બીજેપી સાથે આદિવાસી, મુસ્લિમ સમાજ સાથે રહ્યો છે. બીજેપીઅે ભવ્ય જીત મેળવી છે.

gujarat ahmedabad gandhinagar Gujarat BJP Gujarat Congress Vijay Rupani Nitin Patel