કેન્દ્રની મંજૂરી છતાં ગુજરાતમાં સ્કૂલો દિવાળી પહેલાં નહીં ખૂલે

15 September, 2020 04:39 PM IST  |  Gandhinagar | Agency

કેન્દ્રની મંજૂરી છતાં ગુજરાતમાં સ્કૂલો દિવાળી પહેલાં નહીં ખૂલે

પ્રતીકાત્મક તસવીર

એક તરફ અનલૉક ૪માં કેન્દ્ર સરકારે ૨૧ સપ્ટેમ્બરથી ધોરણ ૯થી ૧૨ના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે, ત્યારે ગુજરાત સરકારે દિવાળી પહેલાં સ્કૂલો શરૂ નહીં થાય એવો નિર્ણય લઈ લીધો છે. અનલૉકમાં ધીરે-ધીરે કરીને બધું ખૂલી રહ્યું છે. જે નથી ખૂલ્યું એ છે શાળા, જેના પર અનેક સવાલો ઊભા થયા છે. દરેક વાલીને એ પ્રશ્ન સતાવી રહ્યો છે કે આખરે શાળાઓ ક્યારે ખૂલશે. ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે એવું જણાવ્યું છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું કે દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે એના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે. દિવાળી પછી ગુજરાતમાં શાળાઓ ખૂલશે એવી શક્યતાઓ છે.

થોડા દિવસ પહેલાં જ ડે. સીએમ નીતિન પટેલે જાહેરાત કરી હતી કે કેન્દ્રની ગાઇડલાઇન અનુસાર ગુજરાતમાં ૨૧ સપ્ટેમ્બરથી શાળા શરૂ કરવા વિશે હાલમાં કોઈ અંતિમ નિર્ણય નથી લેવાયો.

૨૧ સપ્ટેમ્બરથી હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ ખોલવાની પરમિશન

ઇન્સ્ટિટ્યૂટમાં તૈયાર કરવામાં આવશે ક્વૉરન્ટીન સેન્ટર, ક્લાસ પૂર્વે પરિસરને સૅનિટાઇઝ કરવાનું રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રવિવારે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે આંશિક છૂટ આપવા સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિઝર જાહેર કરી છે. ૨૧ સપ્ટેમ્બરથી વિવિધ ધોરણોમાં અભ્યાસ શરૂ થઈ જશે. મંત્રાલયે કહ્યું છે કે ઇન્સ્ટિટ્યૂટ ખોલતાં પહેલાં શિક્ષણ વિભાગની સલાહ લેવાની રહેશે. અન્ય શહેરોથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ માટે હૉસ્ટેલ ખોલી શકાશે. જોકે બહારથી આવતા વિદ્યાર્થીઓને વર્ગમાં હાજર થતાં પહેલાં ૧૪ દિવસ ક્વૉરન્ટીન થવું પડશે. આ માટે ઇન્સ્ટિટ્યૂટમાં જ ક્વૉરન્ટીન સેન્ટર બનાવવું પડશે.

આ ઉપરાંત અભ્યાસ શરૂ થતાં શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફે ઓછામાં ઓછું ૬ ફૂટ અંતર રાખવું પડશે. સતત હાથ ધોવા, ફેસ કવર પહેરવું, છીંક આવે ત્યારે મોઢા પર હાથ રાખવો, પોતાના આરોગ્યનું સતત મૉનિટરિંગ કરવું અને જ્યાં ત્યાં થૂકવું નહીં જેવી બાબતોની પૂરતી કાળજી લેવાની રહેશે. ઇન્સ્ટિટ્યૂટમાં એન્ટ્રી પૉઇન્ટ પર સૌનું સ્ક્રીનિંગ થશે.

gujarat gandhinagar ahmedabad coronavirus covid19