આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ

26 February, 2020 07:43 AM IST  |  Gandhinagar

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ

ગુજરાત વિધાનસભા

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો વિરામ બાદ આજે ૨૬મીથી પ્રારંભ થઈ રહ્યો છે. આ અગાઉની બેઠકમાં કેન્દ્રના સીએએ કાયદાને સમર્થન માટે સત્ર બોલાવાયું ત્યારે બજેટ સત્રના ભાગરૂપે ૧૦ જાન્યુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૃહને સંબોધન કર્યું હતું. આવતી કાલે ૨૬મીએ નાણાપ્રધાન નીતિન પટેલ વર્ષ ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષની બજેટ રજૂ કરશે. જે અંદાજે સવા બે લાખ કરોડનું હોવાનો અંદાજ છે. ૨૨ વર્કિંગ દિવસોમાં ૨૫ બેઠકો યોજાશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈને ખાસ કરીને તેમની સરભરા અને કાર્યક્રમ માટે ખર્ચાયેલા કરોડો રૂપિયાને લઈને કૉન્ગ્રેસ બીજેપી સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરે એમ છે.

સૂત્રોએ જણાવ્યું કે આજથી શરૂ થઈ રહેલા બજેટ સત્રના પ્રથમ દિવસે નાણાપ્રધાન નીતિન પટેલ વર્ષ ૨૦૨૦-૨૧નું અંદાજપત્ર રજૂ કરશે જે ગયા વર્ષની સરખામણીમાં ૧૮ હજાર કરોડના વધારા સાથે બે લાખ બાવીસ હજાર કરોડનું હોવાની ચર્ચા છે. આ બજેટમાં રાજ્ય સરકાર નાણાકીય સંતુલનની સાથે રાજ્યની અમદાવાદ સહિતની અન્ય મહાનગરપાલિકાઓની ઑક્ટોબર માસમાં યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને વેરાવધારાની દરખાસ્ત રજૂ ન કરે એવી શક્યતાઓ છે. આ બજેટમાં નર્મદા યોજના, સૌની યોજનાઓ માટે નાણાકીય ફાળવણી સહિત રોજગારીની સાથે કૃષિ અને નાના ઉદ્યોગો માટેની ખાસ યોજનાઓની જાહેરાત પણ થઈ શકે છે.

આ પણ વાંચો : ગુજરાત: ખંભાતમાં બે દિવસના તોફાન બાદ અશાંતધારો લાગુ કરવામાં આવશે

સૂત્રોએ કહ્યું કે ગયા વર્ષે લોકસભા ચૂંટણી હોવાથી ફેબ્રુઆરીમાં ૪ મહિના માટે ૬૪ હજાર કરોડનું લેખાનુદાન લીધું હતું અને જુલાઈમાં વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું પૂર્ણ બજેટ રજૂ થયું હતું. આ બજેટનું કદ બે લાખ ૪ હજાર કરોડ રૂપિયા હતું. આ બજેટ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વાર બે લાખ કરોડ સુધી પહોંચ્યું હતું. જોકે આ વર્ષે બજેટના કદમાં કરકસરને ધ્યાનમાં રાખીને ૨૦ હજાર કરોડનો વધારો થવાની શક્યતા છે જેને કારણે ૨૦૨૦-૨૧નું અંદાજપત્ર બે લાખ બાવીસ હજાર કરોડ સુધી પહોંચે એવી સંભાવના છે. ગુજરાત સરકારની મુખ્ય આવક જીએસટીની છે જેમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે, પરંતુ કેન્દ્ર સરકાર પાસેથી ગુજરાતને મળવાપાત્ર કરોડો રૂપિયાની ઓછી મળતી હોવાથી નાણાકીય સંતુલન જાળવવા સરકારે ભાર મૂકવો પડશે.

gujarat budget 2020