ડીજીપીનું જાહેર ‘કબૂલાતનામું’: નશાબંધીને વરેલા ગુજરાતમાં દારૂ વેચાય છે?

03 June, 2019 10:58 PM IST  |  ગાંધીનગર

ડીજીપીનું જાહેર ‘કબૂલાતનામું’: નશાબંધીને વરેલા ગુજરાતમાં દારૂ વેચાય છે?

દારૂબંધી

દારૂબંધીને વરેલા ગુજરાત રાજ્યમાં પોલીસ વડાની દારૂની અને જુગારની બદી રોકવા માટે ખાસ પરિપત્ર બહાર પાડીને ખાસ ઝુંબેશ શરૂ કરવી પડે એ જ બતાવે છે કે ગુજરાતમાં દારૂબંધી સાવ નિષ્ફળ ગઈ છે અને હજારો પોલીસનો કાફલો હોવા છતાં રાજ્યમાં બેરોકટોક દારૂની ગેરકાયદે હેરફેર ચાલી રહી છે, એટલું જ નહીં, વાહનોમાં લક્ઝરી બસના ઉપયોગની સાથે ટ્રેનમાં પણ દારૂની ગેરકાયદે હેરફેર થઈ રહી છે. પોલીસ વડાએ આજે બીજી જૂનથી શરૂ કરીને એક સપ્તાહ સુધી વિશેષ ડ્રાઇવ શરૂ કરવાની વિનંતી કરી છે, પરંતુ શું એક સપ્તાહ પછી ગુજરાતમાં ગેરકાયદે દારૂની હેરફેર, ઉત્પાદન, વેચાણ અને હપ્તારાજ અટકશે?

ગુજરાત રાજ્યની સ્થાપનાકાળથી નશાબંધીની નીતિ અપનાવવામાં આવી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતમાં જન્મ્યા હોવાથી અને રાષ્ટ્રપિતા પોતે નશાબંધીના હિમાયતી હોવાથી ૧૯૬૦ની ૧ મેથી ગુજરાતે નશાબંધીની નીતિ અપનાવી, પરંતુ ગાંધીનગરની ગાદી પર ભલભલી સરકાર આવી અને ગઈ, ગેરકાયદે દેશી અને વિદેશી દારૂનો વેપલો ધમધોકાર ચાલી રહ્યો છે. એની સાથે-સાથે પોલીસતંત્રમાં હપ્તારાજ પણ ચાલી રહ્યું છે. જ્યારે-જ્યારે કોઈ ઘટના કે લઠ્ઠાકાંડ બને ત્યારે સરકાર ઊંઘમાંથી જાગીને પોલીસતંત્રને ‘કડક આદેશો’ આપે છે, પરંતુ સમય વ‌ીત્યા પછી બધું ભુલાઈ જાય છે અને દીવ-દમણ-રાજસ્થાન, મધ્ય પ્રદેશથી દારૂનો ગેરકાયદે જથ્થો આવતો હોય છે.

હાલમાં કોઈ લઠ્ઠાકાંડનો બનાવ બન્યો નથી છતાં પોલીસ વડાની દારૂ-જુગારની બદી માટે વિશેષ ઝુંબેશની વિનંતી કેમ કરવી પડી તઅ પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો : ભાવનગરઃહિટ એન્ડ રનમાં 1 વ્યક્તિનું મોત, 1 ઈજાગ્રસ્ત

પોલીસ વડાએ ૭ મુદ્દાનો પરિપત્ર બહાર પાડીને તમામ પોલીસ-કમિશશનરો, રેન્જ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ વગેરેને આદેશ નહીં પણ ‘વિનંતી’ કરી છે કે આ દરોડા સફળ થાય એની ખાસ કાળજી લેજો. શું પોલીસ વડાએ વિનંતી કરવી પડે છે? આ ઉપરાંત પરિપત્રમાં સૌથી ગંભીર બાબત એ છે કે સાત નંબરના મુદ્દામાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યાં પોલીસનું સંભવિત મેળાપીપણા હોવાનું સંભવ હોય ત્યાં ખાસ દરોડા સફળ થાય એની કાળજી લેવા વિનંતી. આ બતાવે છે કે ખુદ ગુજરાતના પોલીસ વડાને પણ શંકા અને ખાતરી છે કે તેમની પોલીસ બૂટલેગરો અને જુગારીઓ સાથે મળી ગયેલી હોય છે. એથી પરિપત્રમાં એવો ઉલ્લેખ કરવો પડ્યો કે જે સ્થળે પોલીસનું મેળાપીપણું હોય ત્યાં ચોક્કસ દરોડા પાડવા જોઈએ.

gujarat gandhinagar ahmedabad