ગુજરાતના બજેટમાં બુલેટ ટ્રેન માટે 1500 કરોડની ફાળવણી

04 March, 2021 10:00 AM IST  |  Gandhinagar | Agency

ગુજરાતના બજેટમાં બુલેટ ટ્રેન માટે 1500 કરોડની ફાળવણી

નીતિન પટેલ

ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન નીતિન પટેલે ગઈ કાલે નવમી વખત ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના પછી પ્રથમ વખત ૨.૨૭ લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે આ વખતે ૨.૨૭ લાખ કરોડનું બજેટ પાછલા બજેટ કરતાં ૧૦,૦૦૦ કરોડથી વધુ છે.

નોંધનીય છે કે પાછલા બજેટ અને આ વખતના બજેટની સરખામણી કરીએ તો કૃષિ વિભાગમાં ગયા વર્ષે રૂપિયા ૭૪૨૩ કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જ્યારે આ વર્ષે કૃષિ વિભાગમાં ૭૨૩૨ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જે પાછલા બજેટ કરતાં ૧૯૧ કરોડ રૂપિયા ઓછું છે. નોંધનીય છે કે કૃષિ માટે કુલ મળીને ૨૭,૨૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

બજેટ રજૂ કરતાં સમયે નાણાપ્રધાને સ્થાનિક ચૂંટણીમાં બીજેપીના ભવ્ય વિજયની યાદ અપાવી હતી. તેમણે આ વિજયને પ્રજાના સર્ટિફિકેટ સાથે સરખાવ્યું હતું. તેમણે આ મુદ્દે કહ્યું કે પ્રજાની યુનિવર્સિટીમાંથી અમને ત્રિપલ-છ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ જીત એમને એમ નથી થઈ. આ માટે બીજેપી સરકારે ઘણાં વિકાસનાં કાર્યો કર્યાં છે એમ નીતિન પટેલે ઉમેર્યું છે અને વિકાસકાર્યોમાં ગુજરાતમાં કંઈ જ કચાશ રહેતી ન હોવાનું પણ તેમણે કહ્યું છે.

આ ઉપરાંત અમદાવાદ-મહેસાણા હાઇવેને સિક્સ લેન બનાવવાની તેમ જ અમદાવાદ-ગાંધીનગર અને સુરત સિવાય વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો ટ્રેન દોડાવવા માટે આયોજન કરાયું છે.

બજેટના મહત્ત્વના મુદ્દાઓ
૨૦ સિવિલ હૉસ્પિટલોમાં પંચકર્મ સારવાર અપાશે.
ખેડૂતોને બિયારણ, અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટબ વિનામૂલ્યે અપાશે.
રાજકોટ, વડોદરા, જામનગર,
ભાવનગરમાં પણ દોડશે મેટ્રો.
આગામી પાંચ વર્ષમાં સરકારમાં બે લાખ જેટલા યુવાનોની ભરતી કરવામાં આવશે.
રાજ્યમાં ૬ સ્થળોએ હેલિપેડ
બનાવવામાં આવશે.
ગોધરા-મોરબીને મળી મોટી ભેટ, નવી મેડિકલ કૉલેજ બનશે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે ૧૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી, કોરોનાના કારણે સરકારની આવક ૪૦ ટકા ઘટી.
સ્ટૅચ્યુ ઑફ યુનિટી માટે ૬૫૨ કરોડ રૂપિયાની જોગવાઈ.
કૉલેજના વિદ્યાર્થીઓને અપાશે ફ્રીમાં ટૅબ્લેટ.

gujarat gandhinagar ahmedabad Nitin Patel budget 2021