૨૦૨૨માં આ બ્રિજને મોતનો ​બ્રિજ નામ અપાયું હતું

10 July, 2025 07:25 AM IST  |  Vadodara | Gujarati Mid-day Correspondent

મુજપુર ગામના વડોદરા જિલ્લા પંચાયતના સભ્યે જર્જરિત હાલતમાં મુકાયેલા બ્રિજની ઇન્ક્વાયરી કરવા તેમ જ જોખમી બ્રિજ બંધ કરવા પત્ર લખીને રજૂઆત કરી હતી : જવાબદારો સામે માનવવધનો ગુનો દાખલ કરવા માગણી

નદીમાં ચાલતી બચાવ કામગીરી

એક છેડેથી વડોદરા અને બીજા છેડેથી આણંદ જિલ્લાને જોડતા મુજપુર પાસે આવેલા ગંભીરા બ્રિજની હાલત છેલ્લાં કેટલાંક વર્ષથી ખખડધજ છે અને એને નવો બનાવવા માટે સ્થાનિક લોકોએ માગણી કરી હતી. આ ઉપરાંત ૨૦૨૨માં મુજપુર ગામના વડોદરા જિલ્લા પંચાયતના સભ્યે જર્જરિત હાલતમાં મુકાયેલા આ બ્રિજની ઇન્ક્વાયરી કરવા તેમ જ જોખમી બ્રિજ બંધ કરવા પત્ર લખીને રજૂઆત કરી હતી. એમ છતાં પણ તંત્ર દ્વારા સ્થાનિક લોકોની રજૂઆતોને કાને ધરાઈ નહીં અને ગઈ કાલે બનેલી ઘટનામાં ૧૨ લોકોનાં મૃત્યુ થયાં હતાં. 

વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય અને મુજપુર ગામના રહેવાસી હર્ષદસિંહ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑગસ્ટ ૨૦૨૨માં વડોદરા જિલ્લાના રોડ અને બિ​લ્ડિંગ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને પત્ર લખીને મુજપુર ગંભીરા બ્રિજ અત્યંત ગંભીર અને ભયજનક પરિસ્થિતિમાં હોવાની તેમ જ આ બ્રિજની તાત્કાલિક ધોરણે સ્થળ-ઇન્ક્વાયરી કરીને યોગ્ય પગલાં તથા ટેસ્ટ-રિપોર્ટ જાહેર કરવા પત્ર લખીને રજૂઆત કરી હતી. આ બ્રિજને જોખમી જાહેર કરીને બંધ કરી નવો બ્રિજ બનાવવા માટે તજવીજ શરૂ કરવા રજૂઆત કરી હતી. આ બ્રિજ ૨૦૨૧થી જોખમી હતો. ૨૦૨૨માં તો આ બ્રિજને મોતનો બ્રિજ નામ આપ્યું હતું. જો એ સમયે મારી આ વાતને તંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવી હોત તો આજે આ દુર્ઘટના બની ન હોત. મારી વાત સત્તાધીશોએ કાને ન ધરી. આ લોકો સાચી દિશામાં કાર્યવાહી જ નથી કરી, જેના કારણે આજે અમારા ગામના સહિત નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે.’

સ્થાનિક લોકોમાં આ બ્રિજને લઈને બહુ જ આક્રોશ ફેલાયેલો છે. લોકોનો આક્રોશ એ હતો કે બેદરકારીને કારણે લોકોના જીવ જાય છે, હવે તો સરકારે જાગવું પડશે. આ બ્રિજ તૂટી પડ્યો છે એમાં જે જવાબદારો હોય તેમની સામે માનવવધનો ગુનો લગાવો એવી પણ માગણી ઊઠી હતી.

vadodara anand road accident gujarat gujarat news news gujarat government