સિનિયર કે. લાલથી મૅજિક વર્લ્ડમાં અલ્પવિરામ આવ્યું, પૂર્ણવિરામ જુનિયર કે. લાલની વિદાય સાથે મુકાયું

06 April, 2021 11:53 AM IST  |  Rajkot | Rashmin Shah

૨૪પ૦૦ શો કરનાર જુનિયર કે. લાલ મુંબઈથી પાછા ગયા પછી તબિયત બગડી અને તેમનો કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો, જે નેગેટિવ થયા પછી રવિવારે સાલ હૉસ્પિટલમાં હાર્ટ-અટૅક આવતાં તેમનો દેહાંત થયો

જુનિયર કે. લાલ તરીકે પ્રસિદ્ધ થયેલા હર્ષદરાય વોરા

ગ્રેટ મૅજિશ્યન કે. લાલના દીકરા અને જુનિયર કે. લાલ તરીકે પ્રસિદ્ધ થયેલા હર્ષદરાય વોરાનો રવિવારે સાંજે સાડાછ વાગ્યે ૬૬ વર્ષની ઉંમરે અમદાવાદની સાલ હૉસ્પિટલમાં દેહાંત થયો હતો. હર્ષદભાઈને કોરોના થયો હતો અને એનો રિપોર્ટ નેગેટિવ આવી ગયા પછી હાર્ટ-અટૅક આવતાં તેમનું નિધન થયું હતું. હર્ષદભાઈ વીસેક દિવસ પહેલાં મુંબઈ આવ્યા હતા. મુંબઈથી પાછા અમદાવાદ ગયા પછી તેમને ઝીણો તાવ અને શરદી જેવું લાગતાં રિસ્ક લેવાને બદલે તેમણે સામેથી જ કોવિડ-ટેસ્ટ કરાવી લીધી હતી, જેમાં કોરોના-પૉઝિટિવ આવતાં તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યા હતા. દરમ્યાન તબિયત બગડતાં તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પણ પછી ધીમે-ધીમે તમામ રિપોર્ટ નૉર્મલ થતાં તેમને નૉર્મલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા અને એ પછી કોવિડ-રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને રજા આપવાની તૈયારી થઈ હતી, પણ રવિવારે સાંજે તેમને અચાનક હાર્ટ-અટૅક આવ્યો હતો.

હર્ષદભાઈએ પિતાના પગલે ચાલીને જાદુની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું અને પપ્પા કે. લાલની સાથે જ શો કરવાનું શરૂ કર્યું હતું. સિનિયર કે. લાલ સાથે શો કરતા હોવાથી તેમને જુનિયર કે. લાલના નામથી જ સૌકોઈ ઓળખવા લાગ્યા હતા. બન્ને બાપ-દીકરાઓએ લગભગ ૩૨ વર્ષ સુધી સાથે શો કર્યા હતા. પિતાના અવસાન પછી પણ હર્ષદભાઈએ શો ચાલુ જ રાખ્યા હતા. જોકે ૨૦૨૦માં કોવિડ આવતાં સ્વાભાવિક રીતે અન્ય કલાકારોની જેમ તેમણે પણ શો બંધ કરી દીધા હતા.

૧૯૬૮ના વર્ષમાં અમેરિકાની આઇબીએમ સંસ્થાએ હર્ષદભાઈને વિશ્વના સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ આપ્યો હતો. જેમ સિનિયર કે. લાલે મૅજિકની અનેક આઇટમ જાતે ડેવલપ કરી હતી એ જ રીતે હર્ષદભાઈએ પણ જાદુની દુનિયામાં અનેક નવા પ્રયોગ આપ્યા; જેમાં શરીરથી હાથ જુદા કરવાથી માંડીને જાયન્ટ કિલર શો, ધ ફ્લાઇંગ લેડી અને એવિલ જોકર જેવી આઇટમ તો દુનિયાભરના મૅજિશ્યને અપનાવી પોતાના શોમાં દેખાડવાનું શરૂ કર્યું હતું. હર્ષદભાઈનો મોટો દીકરો પ્રેયશ કહે છે, ‘પપ્પા અને દાદા એક જ વાતમાં માનતા. નવું કામ કરવું હોય તો જૂના કામનો મોહ છોડવો પડે અને એટલે તેઓ ક્યારેય કોઈને પણ મૅજિકની ટ્રિક શીખવવામાં ખચકાતા નહીં.’

જીવનની શ્રેષ્ઠ લબ્ધિ આ વાત જુનિયર કે. લાલ ક્યારેય કરતા નહીં, પણ સિનિયર કે. લાલ હોંશભેર કરતા. હર્ષદભાઈનો જન્મ થયો ત્યાર સુધી કે. લાલના પપ્પા જાણતા નહોતા કે તેમનો દીકરો મૅજિકના શો કરે છે. દિવસઆખો તેમણે કલકત્તામાં આવેલી કપડાંની દુકાને બેસવાનું અને રાતે તેઓ મૅજિકના શો ડિઝાઇન કરે. એક શોની પાછળ કે. લાલ રાતોની રાતો હેરાન થયા, પણ એ આઇટમ તૈયાર થતી નહોતી. એ આઇટમનો જાદુનો ખેલ ત્રણ વર્ષના હષુભાઈએ રમત-રમતમાં અજાણતાં કરી દેખાડ્યો અને કે. લાલની એ મૅજિકની આઇટમ પૂરી થઈ. સિનિયર કે. લાલ કહેતા, ‘હષુની આ શ્રેષ્ઠ લબ્ધિ હતી. એ જ દિવસે હું સમજી ગયો હતો કે હષુ મારા રસ્તે જ ચાલશે અને મારી મૅજિકની દુનિયાને આગળ ધપાવશે.’ બન્યું પણ એવું જ. હર્ષદભાઈએ દાદાની પેઢીને બદલે પપ્પાની જાદુની પેઢીને સ્વીકારી અને જાદુના ક્ષેત્રમાં આગળ આવ્યા. તેમણે પોતાની કરીઅર દરમ્યાન ૨૪,પ૦૦ શો કર્યા હતા. મુંબઈમાં છેલ્લે તેમણે પપ્પા સાથે ૨૦૧૦ના વર્ષમાં શો કર્યા હતા. એ પછી મુંબઈથી તેમને શોની ઑફર પુષ્કળ આવતી, પણ પપ્પા વિના મુંબઈમાં શો કરવાની તેમને ઇચ્છા નહોતી થતી. હર્ષદભાઈએ સાતેક મહિના પહેલાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈએ પપ્પાને ફેમ આપવાનું કામ કર્યું એટલે જ્યારે પણ મુંબઈમાં ભવન્સનું ઑડિટોરિયમ આંખ સામે આવે ત્યારે તરત જ પપ્પા યાદ આવી જાય.’

હર્ષદભાઈને બે દીકરા પ્રેયશ અને નીલ છે. નીલ બૅન્ગલોરમાં ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના ક્ષેત્રમાં છે તો પ્રેયશ અમદાવાદમાં પપ્પાની સાથે જ રહીને કેમિકલના બિઝનેસમાં છે. સિનિયર અને જુનિયર કે. લાલ બન્નેને ખબર હતી કે આ દીકરાઓ તેમની મૅજિકની દુનિયાને આગળ નહીં વધારે તો સાથોસાથ તેમને એવી પણ ખાતરી હતી કે પ્રેયશનો દીકરો વિહાન ચોક્કસ મૅજિકના ક્ષેત્રમાં આવશે. વિહાન ત્રણ વર્ષનો હતો ત્યારથી દાદા અને પરદાદા બન્ને સામે મૅજિકના ખેલ કરતો, જે જોઈને તેમની આંખોમાં ચમક આવી જતી હતી.

gujarat gujarat news Rashmin Shah