ગુજરાતમાં હજી ચાર દિવસ હાંજા ગગડાવતી ઠંડી પડવાની આગાહી

25 January, 2022 10:17 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ગાંધીનગરમાં ૪.૩ અને નલિયામાં ૪.૬ ડિગ્રી ઠંડી પડતાં ઠંડુંગાર બની ગયું – રાજ્યનાં ૧૦ શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની અંદર રહ્યો

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે અને નાગરિકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે ત્યારે હજી પણ આગામી ચાર દિવસ હાજા ગગડાવતી ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, અમદાવાદ, વડોદરા સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોલ્ડ વેવનો સપાટો વાશે. ગઈ કાલે ગાંધીનગરમાં ૪.૩ અને નલિયામાં ૪.૬ ડિગ્રી ઠંડી પડતાં બન્ને નગરો ઠંડાગાર બની ગયાં હતાં. એટલું જ નહીં, ગુજરાતનાં ૧૧ નાનાં-મોટાં શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની અંદર રહેતાં નાગરિકો ઠંડીમાં ઠુંઠવાઈ ગયા હતા.
ગઈ કાલે ગુજરાત ઠંડુંગાર બની ગયું હતું. અમદાવાદમાં ૬.૭ ડિગ્રી, ડિસામાં ૮, વલ્લભ વિદ્યાનગરમાં ૯.૨, વડોદરામાં ૮.૪, કંડલા ઍરપોર્ટમાં ૯.૮, રાજકોટમાં ૯.૭, સુરેન્દ્રનગરમાં ૧૦, મહુવામાં ૯.૭ અને કેશોદમાં ૮.૭ ડિગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયું હતું. આજે અને આવતી કાલે કચ્છ જિલ્લામાં શીત લહેરથી ગંભીર શીત લહેર ફેલાઈ શકવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત બે દિવસ સુધી અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, મોરબી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર અને જુનાગઢમાં કોલ્ડ વેવ ફૂંકાવા સાથે આખો દિવસ કડકડતી ઠંડી પડે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
૨૬ અને ૨૭ જાન્યુઆરીએ એટલે કે આજથી ત્રીજા અને ચોથા દિવસે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં શીત લહેર ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. 

 

 

 

gujarat news gujarat