Hardik Patel: એક સમયના ભાજપના કટ્ટર આલોચક હાર્દિક પટેલે બીજેપીને ખેસ કર્યો ધારણ

02 June, 2022 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હાર્દિક પટેલ 2019માં કોંગ્રેસમાં જોડાયા હતા અને બાદમાં તેને રાજ્ય એકમના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં આગામી થોડા મહિનામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. 

હાર્દિક પટેલ

એક સમયે ભાજપના કટ્ટર આલોચક અને કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ (Hardik Patel)આજે ભાજપના કેસરિયમાં રંગાવા જઈ રહ્યા છે. પટેલ એવા સમયે પાર્ટીમાં જોડાઈ રહ્યા છે જ્યારે આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવાની છે. રાજ્યમાં ભાજપ બે દાયકા કરતાં વધુ સમયથી સત્તામાં છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ, તેમણે કોંગ્રેસ નેતૃત્વની આકરી ટીકા કરી હતી, જ્યારે ભાજપની નિર્ણય લેવાની ક્ષમતા અને તેની કાર્યશૈલીની પ્રશંસા કરી હતી. હાર્દિક પટેલ 2019માં કોંગ્રેસમાં જોડાયા હતા અને બાદમાં તેને રાજ્ય એકમના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં આગામી થોડા મહિનામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. 

 

હાર્દિક પાટીદાર આંદોલનને લઈને ચર્ચામાં આવ્યા હતા

28 વર્ષીય હાર્દિક પટેલ 2015માં સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પાટીદાર સમુદાયના સભ્યો માટે અનામતની માંગણી સાથેના આંદોલન દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. તેમણે આ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. આંદોલન દરમિયાન થયેલી હિંસામાં એક પોલીસકર્મી સહિત 10 લોકો માર્યા ગયા હતા અને જાહેર મિલકતો અને વાહનોને ખરાબ રીતે નુકસાન થયું હતું. ત્યારબાદ, પટેલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 124 (A), 121 (A) અને 120 (B) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને તે 2016 થી જામીન પર છે. ભાજપ સરકારે તાજેતરમાં 2015ના ક્વોટા આંદોલનના સંબંધમાં હાર્દિક પટેલ અને અન્યો સામે નોંધાયેલા ઘણા કેસો પાછા ખેંચવા પગલાં લીધા છે.

પટેલે નવનિર્માણ સેના બનાવી

પટેલ નવનિર્માણ સેનાની રચના 9 સપ્ટેમ્બર 2015ના રોજ હાર્દિક પટેલ દ્વારા કુર્મી, પાર્ટીદાર અને ગુર્જર સમુદાયને OBCમાં સમાવેશ કરવા અને તેમને સરકારી નોકરીઓ અપાવવા માટે કરવામાં આવી હતી. આ વર્ષે 18 ઓક્ટોબરના રોજ હાર્દિક પટેલ પર રાષ્ટ્રધ્વજના અપમાનનો આરોપ લાગ્યો હતો અને કેસ નોંધાયા બાદ તેને થોડા દિવસો માટે જેલની હવા ખાવી પડી હતી.

ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન

કોંગ્રેસમાં જોડાતા પહેલા હાર્દિક પટેલે વર્ષ 2017માં કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. આ વિધાનસભા ચૂંટણીમાં હાર્દિક પટેલ સિવાય કોંગ્રેસ અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીની મદદથી પૂરા જોશ સાથે મેદાનમાં ઉતરી હતી. જો કે ઠાકોર બાદમાં ભાજપમાં જોડાયા હતા, પરંતુ પેટાચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો.

કોંગ્રેસમાં જોડાયા

માર્ચ 2019માં અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન તત્કાલિન પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો.

મહેસાણા રમખાણ કેસમાં જુલાઈ 2018માં સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને દોષિત ઠેરવ્યો હતો. આ પછી હાર્દિકે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને દોષિત ઠેરવવા પર સ્ટે માંગ્યો હતો, પરંતુ હાઈકોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી અને તે ચૂંટણી લડી શકશે નહીં. બાદમાં હાર્દિકે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ત્યાંથી પણ તેને કોઈ રાહત મળી ન હતી.

gujarat news hardik patel Gujarat Congress bharatiya janata party