ગુજરાતમાં પહેલી વાર કોરોના કાઉન્ટ દિવસના 1000ને પાર

22 July, 2020 12:26 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતમાં પહેલી વાર કોરોના કાઉન્ટ દિવસના 1000ને પાર

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોના વકરીને હવે જાણે બેકાબૂ બન્યો હોય એમ ગઈ કાલે પહેલી વાર એક જ દિવસમાં કોરોના પૉઝિટિવ કેસનો આંક ૧૦૦૦ને પાર ગયો હતો.ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પૉઝિટિવના રેકૉર્ડબ્રેક ૧૦૨૬ કેસ નોંધાયા હતા, એટલું જ નહીં, ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક ૫૦,૦૦૦ને વટાવી ચૂક્યો છે અને ગુજરાતમાં કુલ ૫૦,૪૬૫ પૉઝિટિવ કેસ થયા છે.

જુલાઈ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. પહેલી જુલાઈએ ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના ૬૭૫ કેસ નોંધાયા હતા, ત્યાર બાદ કોરોનાના કેસમાં સતત વધારો થતો ગયો છે અને ગઈ કાલે એક જ દિવસમાં રેકૉર્ડબ્રેક ૧૦૨૬ કેસ નોંધાયા હતા.એટલે કે ૨૦ દિવસમાં કોરોનાના કેસમાં જબ્બર ઉછાળો થયો છે. એમાં પણ છેલ્લા ૧૦ દિવસમાં ગુજરાતમાં કોરોનાના ૯૪૩૮ પૉઝિટિવ કેસ નોંધાયા છે અને ૧૬૭ દરદીઓનાં મૃત્યુ થયાં છે. ગુજરાતમાં ગઈ કાલે ૧૦૨૬ કેસ નોંધાવા ઉપરાંત ૩૪ દરદીઓનાં મૃત્યુ થયાં હતાં અને ૭૪૪ દરદીઓ સાજા થઈને ઘરે ગયા હતા.ગુજરાત અનલૉક થયા બાદ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધતુ રહ્યું છે અને હવે તો ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાએ પગપેસારો કરી દીધો છે.

ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ છે. અમદાવાદમાં ગઈ કાલ સુધીમાં કોરોનાના કુલ ૨૩,૬૬૨ પૉઝિટિવ કેસ નોંધાયા છે અને ૧૫૧૭ દરદીઓનાં મૃત્યુ થયાં છે. સુરતમાં ગઈ કાલે સાંજે સાડાછ વાગ્યા સુધીમાં કોરોનાના કુલ ૮૯૫૦ કેસ નોંધાયા છે અને ૪૧૧ દરદીનાં મૃત્યુ થયાં છે.

shailesh nayak gujarat coronavirus covid19 lockdown ahmedabad