કોરોનામાંથી પાંચ દરદી સાજા થયા, અમદાવાદની યુવતીને ડિસ્ચાર્જ કરાઈ

30 March, 2020 10:40 AM IST  |  Mumbai Desk | GNS

કોરોનામાંથી પાંચ દરદી સાજા થયા, અમદાવાદની યુવતીને ડિસ્ચાર્જ કરાઈ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોનાના ૫૮ કેસો બાદ રાહતના સમાચાર આવવાની શરૂઆત થઈ છે. અમદાવાદની એક ૩૪ વર્ષની મહિલા પેશન્ટને કોરોનાથી સંપૂર્ણ મુક્ત થઈને અમદાવાદની એસવીપી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. આ સાથે વડોદરામાં ત્રણ દરદીઓ અને સુરતમાં એક મહિલા દરદીની બે વખત કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં તેઓ પણ કોરોના વાઇરસમાંથી સાજા થઈ ગયા છે. ગુજરાતમાંથી કુલ પાંચ દરદીઓને કોરોના સંક્રમણમાંથી સાજા કરીને રજા આપવામાં આવી છે. આ અંગે સત્તાવાર જાહેરાત ટૂંકમાં કરાશે.

અમદાવાદમાં સામે આવેલા કોરોના વાઇરસની પહેલી દરદીને હૉસ્પિટલમાં ૧૦ દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ફિનલૅન્ડથી આવેલી યુવતીને ૧૮ માર્ચે કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવતાં હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી. જ્યારે વીતેલા ૨૪ કલાકમાં તેના બે રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

સુરત માટે પણ રાહતના સમાચાર એ છે કે લંડનથી આવેલી સુરતની યુવતી કે જેનો ગુજરાતમાં પહેલો કોરોના પૉઝિટિવ કેસ હતો એની પણ નેગેટિવ ટેસ્ટ આવી ચૂકી છે અને તેને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે તેમ જ તેને હોમ ક્વૉરન્ટીનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

અગાઉ ગઈ કાલે વડોદરાના ત્રણ પેશન્ટના પણ કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને રજા આપવામાં આવી હતી. આમ ગુજરાતમાં કુલ પાંચ દરદીઓને કોરોનામાંથી સાજા થઈ જવા બદલ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હોવાનું જણાયું છે. આ તમામ દરદીઓને ૧૪ દિવસના ફરજિયાત હોમ ક્વૉરન્ટીન ગાળામાં રહેવાનું છે. ત્યાર બાદ તેમની સમયાંતરે હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે અને જરૂરી ટેસ્ટ પણ કરાવવામાં આવશે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચનો નિયમ છે કે કોઈ પણ કોરોના પૉઝિટિવ દરદીની ચોવીસ કલાકમાં બે ટેસ્ટ નેગેટિવ આવે તો તેનામાંથી વાઇરસ અનલોડ થયો હોવાનું ગણાય અને તે સ્વસ્થ હોવાથી તેને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાનો રહેશે.

જાહેરમાં ક્રિકેટ રમતા ૧૪ જણની અટકાયત

કોરોના વાઇરસની મહામારીને લઈને લૉકડાઉનના જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં ક્રિકેટ રમતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટના યુનિવર્સિટી પોલીસે જાહેરમાં ક્રિકેટ રમતા ૧૪ લોકોની અટકાયત કરી છે. આ તમામ લોકો વિરુદ્ધ પોલીસે કલમ ૨૬૯, ૧૧૪ તેમ જ જીપી ઍક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. તેમ જ ભક્તિનગર પોલીસે જાહેરનામાનો ભંગ કરી બિનજરૂરી બહાર નીકળનાર ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. લૉકડાઉનના લીધે મજૂરી કામ કરતા લોકોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે વેરાવળ તાલુકાના કાજલી ગામના વતની અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર અને જિલ્લા પંચાયતના સદસ્ય માનસિંહભાઈ પરમારના પરિવાર તરફથી કાજલી ગામમાં તમામ સમાજના લોકોને રૅશનની કિટનું વિતરણ કર્યું હતું અને અઢી લાખ રૂપિયાથી પણ વધુનો રૅશનનો સામન સંપૂર્ણ ગામને આપ્યો હતો

gujarat ahmedabad coronavirus covid19