18 March, 2025 11:00 AM IST | Dwarka | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસીને દ્વારકાના રૂપેણ બંદરથી પકડાઈ : હિન્દુ નામ ધારણ કરીને અને હિન્દુ સાથે લગ્ન કરીને કાયમી ધોરણે ગુજરાતમાં વસવાટ કરવાની મોડસ ઑપરેન્ડી પોલીસ-પૂછપરછમાં બહાર આવી
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલી ઐતિહાસિક ભૂમિ દ્વારકાના રૂપેણ બંદરથી દ્વારકા પોલીસના સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપે ભારતમાં ગેરકાયદે રીતે ઘૂસી આવેલી પાંચ બંગલાદેશી મહિલાઓને પકડીને નજરકેદમાં રાખી છે. આ મહિલાઓ પાસેથી એવી વિગતો જાણવા મળી હતી કે બંગલાદેશથી ગેરકાયદે રીતે ભારતમાં આવીને ઘણી મહિલાઓ હિન્દુ નામ રાખી હિન્દુ સાથે લગ્ન કરીને કાયમી ધોરણે ગુજરાતમાં વસવાટની તક મળે એ માટેની મોડસ ઑપરેન્ડી અપનાવી રહી છે.
દ્વારકાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (SP) નીતેશ પાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસને બાતમી મળી હતી કે રૂપેણ બંદરની આજુબાજુમાં પાંચ મહિલાઓની શંકાસ્પદ મૂવમેન્ટ છે એટલે પોલીસે પાંચ મહિલાઓને ગઈ કાલે નજરકેદમાં લઈને પૂછપરછ કરી હતી. આ તમામ બંગલાદેશી મહિલાઓ ગેરકાયદે ઘૂસણખોરી કરીને ગુજરાતમાં રોજગારી માટે આવી હતી. તેમની પાસેથી બંગલાદેશના પુરાવા મળી આવ્યા હતા. આ મહિલાઓમાંની કેટલીક અમદાવાદમાં અને અન્ય મહિલાઓ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રહેતી હતી અને ત્યાંથી રોજગારી માટે અહીં આવી હતી. આ મહિલાઓ પાસેથી એવા કિસ્સા જાણવા મળ્યા હતા કે કેટલીક બંગલાદેશી મહિલાઓ હિન્દુ નામનો ઉપયોગ કરે છે અને હિન્દુ સાથે લગ્ન કરવાનો પ્રયાસ કરે છે જેથી તેમનો ઝડપથી અહીં વસવાટ થાય અને હેરાનગતિ ન થાય.’
કેવી રીતે ઘૂસણખોરી?
ઘૂસણખોરી કરીને ગુજરાત સુધી પહોંચેલી આ મહિલાઓ પાસેથી એવી વિગતો જાણવા મળી હતી કે બંગલાદેશી મહિલાઓ અને બીજા લોકો બૉર્ડર પર ભૌગોલિક પરિસ્થિતિનો ફાયદો લઈને ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં હોય છે. ખાસ કરીને ચોમાસામાં તેઓ નદી વિસ્તારોમાંથી ભારતની બૉર્ડરમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા હોય છે. બૉર્ડર પર જેસોર વિસ્તાર છે જ્યાંથી ભારતમાં એન્ટ્રી માટે અટૅમ્પ્ટ થાય છે. ઘણા લોકો અહીં સેટ થઈ ગયા પછી બીજાને પણ બંગલાદેશથી બોલાવે છે. આ લોકો ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી છૂટક મજૂરી કરીને જે કમાણી કરે એને બંગલાદેશ મોકલે છે. તેઓ ઑનલાઇન તેમ જ તેમના એજન્ટ દ્વારા બંગલાદેશમાં પૈસા મોકલે છે. એજન્ટ તેનું કમિશન કાપી લઈને પૈસા બંગલાદેશ મોકલે છે.