14 July, 2026 07:06 AM IST | Unjha | Gujarati Mid-day Correspondent
ઊંઝા વરિયાળી, ઊંઝા જીરું
એશિયા સહિત સમગ્ર વિશ્વમાં મસાલાના માર્કેટ તરીકે ખ્યાતિપ્રાપ્ત ઉત્તર ગુજરાતના ઊંઝાને ગૌરવશાળી સિદ્ધિ મળી છે. ભારત સરકારની જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી દ્વારા ઊંઝા જીરું અને ઊંઝા વરિયાળીને સત્તાવાર રીતે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ એનાયત કરવામાં આવ્યો છે.
ઊંઝા ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ના ચૅરમૅન દિનેશ પટેલે કહ્યું હતું કે ‘આ સિદ્ધિ માત્ર એક ટૅગ નથી, ઊંઝા પંથકના ખેડૂતો અને વેપારીઓની વર્ષો જૂની ગૌરવશાળી પરંપરા અને ગુણવત્તાનું સન્માન છે. ભારતમાં મરચાં પછી જીરું એ બીજા નંબરનો સૌથી વધુ નિકાસ થતો મસાલા પાક છે અને ઊંઝાથી મોટા પ્રમાણમાં જીરું અને વરિયાળીની નિકાસથી વિશ્વસનીયતા અને બ્રૅન્ડ-વૅલ્યુ સર્વોચ્ચ શિખરે પહોંચશે જેનાથી બજારમાં ખેડૂતોને ૨૦થી ૩૦ ટકા જેટલા વધુ પોષણક્ષમ ભાવો મળશે.’
આ વૈશ્વિક સિદ્ધિ મળતાં ઊંઝાની આ આગવી ખેતપેદાશને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદેસરની ઓળખ મળી છે જેના કારણે સ્થાનિક ખેડૂતો ને વેપારીઓમાં ગર્વ અને આનંદની લાગણી ફેલાઈ છે. GI ટૅગ મળતાં હવે વિશ્વના કોઈ પણ ખૂણે ઊંઝાનું જીરું અને વરિયાળી અેના અસલી નામ ઊંઝા જીરું અને ઊંઝા વરિયાળી તરીકે વેચાશે અને ઓળખાશે તેમ જ અન્ય કોઈ પણ સ્થળની પેદાશોને આ નામ આપી શકાશે નહીં.