જોકે એક્ઝિટ પોલ કહે છે, ગુજરાતમાં કૉંગ્રેસનાં સૂપડાં સાફ થશે

20 May, 2019 09:11 AM IST  |  ગાંધીનગર

જોકે એક્ઝિટ પોલ કહે છે, ગુજરાતમાં કૉંગ્રેસનાં સૂપડાં સાફ થશે

લોકસભા ચૂંટણી 2019

લોકસભાની ૫૪૨ સીટ પર સાત તબક્કામાં ૧૧ એપ્રિલથી શરૂ થયેલું મતદાન ૧૯ મેએ સાંજે સમાપ્ત થયું હતું. મતદાન સાંજે ૬ વાગ્યે પૂરું થયા બાદ તમામ એજન્સીના પોલ સર્વે અને એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. વિવિધ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા એક્ઝિટ પોલ અનુસાર કૉંગ્રેસનાં સૂપડાં સાફ થતાં દેખાઇ રહ્યાં છે, ત્યારે ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પર નજર કરીએ તો ૬ બેઠક પર પંજો પડી શકે છે.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવો, ગુજરાતી છે એવી ઝુંબેશમાં તણાઇને ગુજરાતની પ્રજાએ મોદી પર વિશ્વાસ મૂકીને તમામ ૨૬ બેઠકો મોદીનાં ચરણોમાં મૂકી હતી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મોદીએ ગુજરાતમાં આવીને હું તો તમારો જ છું, તમારી વચ્ચે જ ઊછર્યો છું, તમે મારું ઘડતર કર્યું છે, એવી ૨૦૧૪ની જ પીપૂડી વગાડી હતી. આને કારણે કદાચ ગુજરાતની પ્રજાનું મન પલટાયું હોય એવું લાગે છે અને એટલે જ ગુજરાતમાં પૂરેપૂરી રીતે કમળ ખીલે એવું જણાતું નથી.

આ પણ વાંચો : મેનકાએ કચ્છના ખાસ પ્રકારનાં ઊંટને પાણીમાં તરતાં મૂકવાની મંજૂરી માગી

ગુજરાતમાં બીજેપી જે ૬ બેઠકો ગુમાવે એ બેઠકો કૉંગ્રેસને મળી શકે છે એમાં પાટણ-જગદીશ ઠાકોર, બનાસકાંઠા-પથીરભાઇ ભટોળ, પોરબંદર-લલિત વસોયા, અમરેલી-પરેશ ધાનાણી, વલસાડ-જિતુભાઇ ચૌધરી અને આણંદમાં ભરતસિંહ સોલંકીનો સમાવેશ થાય છે. પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયાની બાદબાકી બીજેપીને ભારે પડી શકે એમ છે. અહીં એક વાત નોંધ લેવા જેવી છે કે અમરેલીમાં ધાનાણીએ રૂપાલાને હરાવ્યા હતા અને ત્યાર બાદ રૂપાલાએ વિધાનસભાની એક પણ ચૂંટણી લડી નથી.

gujarat congress bharatiya janata party Lok Sabha Election 2019 Gujarat BJP Gujarat Congress