07 November, 2026 10:44 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
વડોદરા જિલ્લામાં આવેલી ડભોઈ નગરપાલિકાના લાઇટ વિભાગના કર્મચારી મહેશ વસાવાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે એકતા દિવસની ઉજવણી માટે ગુજરાત આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે રસ્તા પરથી પસાર થવાના હતા એ રસ્તા પર કેટલીક સ્ટ્રીટલાઇટ બંધ હોવાથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
૩૧ ઑક્ટોબરે સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે એકતા દિવસની ઉજવણી થઈ હતી. એમાં ભાગ લેવા માટે નરેન્દ્ર મોદી આવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી નરેન્દ્ર મોદી તેમ જ અન્ય મહાનુભાવો સ્ટૅચ્યુ ઑફ યુનિટીથી વડોદરા ઍરપોર્ટ ગયા હતા. તેઓ જે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા એ રસ્તા પર ૧૨ સ્ટ્રીટલાઇટ બંધ હતી અને અન્ય કેટલીક લાઇટ ઝબકતી સ્થિતિમાં હતી. નગરપાલિકાની સૂચના હોવા છતાં સ્ટ્રીટલાઇટની જાળવણી કરવામાં બેદરકારી રાખવા બદલ નગરપાલિકાના વહીવટી વડાએ લાઇટિંગ વિભાગના ઇન્ચાર્જ ક્લર્ક મહેશ વસાવાને ૬ દિવસ માટે સસ્પેન્ડ કર્યો હતો.