ગુજરાતના ડૉક્ટરે બે એન્જિનિયરની મદદથી બનાવી બાયોપ્સી ગન

16 May, 2023 11:49 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

હાડકામાંથી બાયોપ્સી માટે ટિશ્યુ લેવાથી પીડા થાય છે, પરંતુ આ ઇન્ટેલિજન્ટ ગનથી દરદીને તકલીફ ઓછી થશે અને યોગ્ય પેશી મળશે

ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન તૈયાર કરનાર ડૉ. અભિજિત સાળુંકે, એન્જિનિયર ડૉ. રાઘવેન્દ્ર ભાલેરાવ અને ડૉ. કૃપા શાહ.

ગુજરાતમાં અમદાવાદ સિવિલ હૉસ્પિટલ કૅમ્પસમાં મેડિસિટીમાં આવેલી ગુજરાત કૅન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટરે બે એન્જિનિયરની મદદથી ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન બનાવી છે. આ બાયોપ્સી ગનની મદદથી બોન મેરો અને બાયોપ્સી માટે ટિશ્યુ લેવાની પદ્ધતિ વધુ સરળ બનશે. જ્યારે બાયોપ્સી માટે હાડકામાંથી પેશી લેવી સામાન્ય રીતે પીડાદાયક હોય છે ત્યારે આ ટીમે સેન્સર સાથેનું સ્વયંસંચાલિત ઉપકરણ બનાવ્યું છે જે એક જ વારમાં તપાસ માટે હાડકામાંથી શ્રેષ્ઠ પેશી કાઢવામાં સક્ષમ હશે. 

આ સાધનને બાયોપ્સી ગન નામ આપવામાં આવ્યું છે અને સંશોધન કરેલા આ સાધનના પેટન્ટ પણ કરાવવામાં આવ્યા છે. ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ઑર્થોપેડિક કૅન્સર સર્જ્યન ડૉ. અભિજિત સાળુંકેએ કહ્યું કે ‘હાડકામાંથી બાયોપ્સી માટે ટિશ્યુ લેવાથી સામાન્ય પીડા થાય છે. સામાન્ય રીતે અંદાજના આધારે આ પેશી ડ્રિલ મશીનમાંથી લેવામાં આવે છે. કેટલીક વાર દરદીને એક કરતાં વધુ વખત ટિશ્યુ લેવાની જરૂર પડે છે. યોગ્ય પેશી મળી છે કે નહીં એ જાણવું સરળ નથી. આ ઉપકરણની મદદથી હાડકામાં કેટલું ઊંડું અને કયા દબાણ સાથે જવું છે એ પણ જાણી શકાશે અને એક જ  વારમાં બાયોપ્સી માટે યોગ્ય પેશી ઉપલબ્ધ થશે અને દરદીઓને ઓછી તકલીફ થશે.’

તેમણે કહ્યું કે ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નૉલૉજી રિસર્ચ ઍન્ડ મૅનેજમેન્ટ, અમદાવાદના એન્જિનિયર ડૉ. રાઘવેન્દ્ર ભાલેરાવ અને ડૉ. કૃપા શાહને મળીને દરદીઓનાં હાડકાંની બાયોપ્સીની સમસ્યાના સંભવિત ઉકેલ વિશે ડિવાઇસ બનાવવા ચર્ચા કરીને અમે સાથે મળીને એક મહિનામાં આ ડિવાઇસ તૈયાર કર્યું હતું.’

તેમણે દાવો કર્યો હતો કે ‘દુનિયામાં આવું ડિવાઇસ ક્યાંય નથી. સેન્સર વિનાનાં મશીનો હાલમાં કાર્યરત હોવા છતાં સેન્સરવાળાં ઉપકરણો ક્યાંય જોવા મળતાં નથી. આ ડિવાઇસમાં સોયના આગળના ભાગમાં સેન્સરની હાજરીને કારણે ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન ઑટોમૅટિક સ્તરે કામ કરશે.’

ગુજરાત કૅન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ કહ્યું કે ‘અમારી હૉસ્પિટલમાં દર વર્ષે સરેરાશ ૬૦૦ જેટલી બાયોપ્સી કરવામાં આવે છે. આ પ્રકારનાં ડિવાઇસ બાયોપ્સીને સચોટ અને સરળ બનાવશે. દરદીને પીડા ઓછી થશે અને રિકવર ઝડપથી થશે.’

gujarat news cancer shailesh nayak ahmedabad