16 December, 2025 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મયંક નાયક
ઉત્તર ગુજરાતના વડા મથક મહેસાણાથી મુંબઈ વચ્ચે ઉડાન યોજના અંતર્ગત ઍર-સર્વિસ શરૂ કરવા માટે ગઈ કાલે રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય મયંક નાયકે પ્રશ્ન ઉઠાવ્યો હતો. કેન્દ્ર સરકાર મહેસાણાને હવાઈ મથક બનાવવા ઉત્સુક છે અને અહીંથી વિમાની સેવા શરૂ થાય એ માટે ડેવલપ કરવાની ખાતરી ઉચ્ચારી છે.
મયંક નાયકે ગૃહમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ‘ઉત્તર ગુજરાત તેમ જ રાજસ્થાનના છેવાડાના જિલ્લાઓમાંથી લોકોને વિમાન દ્વારા મુંબઈ જવું હોય તો અમદાવાદ જવું પડે છે. મહેસાણામાં ઍર-સ્ટ્રિપ છે તો એને ડેવલપ કરીને ઉડાન યોજના અંતર્ગત મહેસાણા–મુંબઈ વચ્ચે પ્લેન-સર્વિસ શરૂ કરવામાં આવે, કેમ કે ઉત્તર ગુજરાત વેપારી મથક છે. ટૂરિઝમ પણ અહીં ડેવલપ થયું છે. આવનારા દિવસોમાં ટૂરિઝમ ક્ષેત્રમાં આ એક મોટું માધ્યમ બનશે અને ઍર-સર્વિસ શરૂ થવાને કારણે લોકોને રોજગાર પણ મળશે.’
કેન્દ્ર સરકારના મિનિસ્ટર ઑફ સિવિલ એવિએશન કિંજરાપુ રામ મોહન નાયડુએ આ મુદ્દે ખાતરી આપી હતી કે ‘મહેસાણા ઉડાન સ્કીમ અંતર્ગત અવેલેબલ છે અને મહેસાણાને ડેવલપ કરીશું. અમે હવાઈપટ્ટીને ડેવલપ કરવા તૈયાર છીએ.’