બનાસકાંઠાનું કરમાવદ તળાવ ભરવાની માગ બુલંદ

17 May, 2022 08:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૬ મેએ ૧૨૫ ગામોના અંદાજે ૧૫ હજારથી વધુ ખેડૂતો યોજશે મહા રૅલી

કરમાવદ તળાવ ભરવાના મુદ્દે ગઈ કાલે બનાસકાંઠાના મેરવડા ગામે ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ હતી.

બનાસકાંઠામાં આવેલા જલોત્રાથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા અને કુદરતી રીતે અરવલ્લી ગિરિમાળાઓની વચ્ચે સર્જાયેલા કરમાવદ તળાવને ભરવા માટે થઈને ગઈ કાલે મળેલી ૧૨૫ ગામના આગેવાનોની બેઠકમાં ૨૬ મેના ૧૨૫ ગામોના અંદાજે ૧૫ હજારથી વધુ ખેડૂતો એકઠા થઈને પાલનપુરમાં મહા રૅલી યોજી તળાવ ભરવાની માગણી બુલંદ બનાવીને વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો.

ગઈ કાલે બનાસકાંઠાના મેરવડા ગામે મળેવી ખેડૂત આગેવાનોની બેઠકની વિગતો આપતાં મેઘરજ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુમહારાજના પર્વતની તળેટીમાં આવેલું કરમાવદ તળાવ ૯૮ હેક્ટર જમીન પર વિસ્તરેલું કુદરતી તળાવ છે. પાલનપુર અને વડગામ તાલુકાનાં ૧૨૫ ગામો સુધી પાણીના રીચાર્જ થકી આ તળાવનો લાભ મળે છે. આ તળાવ ભરવા માટે ઘણા સમયથી ખેડૂતોની માગણી છે. ગઈ કાલે આ તળાવ ભરવાના મુદ્દે ખેડૂત આગેવાનોની મીટિંગ મળી હતી. આ મીટિંગમાં એવો નિર્ણય કરાયો છે કે આ તળાવ ભરવા માટે સરકાર નિર્ણય નહીં લે તો ૨૬ મેના દિવસે ખેડૂતો મહા રૅલી યોજશે. પાલનપુરમાં અંદાજે ૧૫થી ૨૦ હજાર ખેડૂતો એકઠા થશે અને રૅલી યોજીને કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર આપશે અને ધરણાં યોજશે. તાજેતરમાં ખેડૂતો એકઠા થયા હતા અને તળાવની માટી લઈને ૧૨૫ ગામોમાં અત્યારે કળશ યાત્રા યોજાઈ રહી છે. ગામેગામના ખેડૂતોને જાગૃત કરવા માટે થઈને આ કળશ યાત્રા કરી રહ્યા છીએ.’

gujarat gujarat news