ગુજરાતનાં નાનાં શહેરો અને ગામોમાં સ્વયંભૂ બંધનો નિર્ણય

08 April, 2021 11:46 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

વડોદરા વેપાર વિકાસ અસોસિએશને સાત દિવસ લૉકડાઉન રાખવા અપીલ કરી

વિજય રૂપાણી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી રોજેરોજ કોરોનાના રેકૉર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે ચાણસ્મા, પાટણ, ડીસા સહિતનાં નાનાં શહેરો અને ગુજરાતનાં કંઈ કેટલાંય ગામોમાં કોરોનાની ચેઇન તોડવા બજારો સ્વયંભૂ બંધ રાખવા સ્થાનિક કક્ષાએ નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજી તરફ વડોદરા વેપાર વિકાસ અસોસિએશને સાત દિવસ લૉકડાઉન રાખવા સરકાર સમક્ષ અપીલ કરી છે. ચાણસ્મા નગરપાલિકાના ચીફ ઑફિસર સેજલ મુંધવાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ચાણસ્મામાં કોરોનાના કેસ વધી ગયા છે એટલે વેપારી અસોસિએશને ગઈ કાલે બેઠક યોજી હતી, જેમાં ૮ એપ્રિલથી ૨૦ એપ્રિલ સુધી દરરોજ બપોરે ૧ વાગ્યા પછી ચાણસ્માની તમામ દુકાનો બંધ રહેશે. જોકે રવિવારે દુકાનો ફરજિયાત બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયની જાણ અમને કરવામાં આવી છે.’
ચાણસ્મા ઉપરાંત પાટણમાં સાંજે પાંચ વાગ્યા પછી શહેર સ્વૈચ્છિક રીતે બંધ રખાશે તો ડીસામાં શનિવાર અને રવિવારે સ્વયંભૂ કરફ્યુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમરેલીનું હામાપુર ગામ ચાર દિવસ સ્વૈચ્છિક બંધ રહેશે. ગોંડલનું ગોમટા ગામ, ગાંધીનગરનું લવારપુર ગામ, દક્ષિણ ગુજરાતના બારડોલી પાસેનું કડોદ ગામ સહિત ગુજરાતનાં ઘણાંબધાં ગામો અને નાનાં શહેરોમાં ક્યાંક બપોરથી તો ક્યાંક શનિ–રવિવારે તો ક્યાંક પબ્લિકની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

મારા દીકરાનાં લગ્નની વાત અફવા છે : રૂપાણી
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના પુત્રનાં મે મહિનામાં લગ્ન છે એવી થોડા દિવસથી જે વાતો ચર્ચાઈ રહી હતી એ મુદ્દે રૂપાણીએ ગઈ કાલે ટ્વીટમાં ખુલાસો કર્યો હતો કે ‘મારા દીકરાનાં મે મહિનામાં લગ્ન હોવાની વાતો પાયાવિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ન પહેલેથી નિર્ધારિત હતું કે ન મેમાં કોઈ આયોજન છે. આ ફેક ન્યુઝ છે. અત્યારે મારું અને મારી 
સરકારનું એકમાત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે.’

gujarat national news shailesh nayak