ધક્કામુક્કીમાં છૂટી પડેલી દીકરીનું પોલીસે મમ્મી સાથે કરાવ્યું અંતે મિલન

21 October, 2021 09:19 AM IST  |  Vadodara | Shailesh Nayak

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં ફૉર્મ લેવા માટે ધક્કામુક્કી થઈ જેમાં દીકરી માતાથી વિખૂટી પડી ગઈ હતી, પોલીસે મમ્મી સુધી પહોંચાડી

પ્રિયાંશી રાણા સાથે વડોદરા પોલીસનાં એસીપી મેઘા તેવર

ગુજરાતની સંસ્કારી નગરી વડોદરામાં ગઈ કાલે પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં ફૉર્મ લેવા માટે થયેલી ધક્કામુક્કીમાં એક નાની દીકરી તેની મમ્મીથી વિખૂટી પડી ગઈ હતી. પોલીસે રડતી દીકરીને જોઈ સાચવી-સંભાળીને તેની મમ્મીને શોધીને દીકરી સોંપતાં મમ્મીના જીવમાં જીવ આવ્યો હતો, જ્યારે પોલીસે ફરજની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યાનો સંતોષ માન્યો હતો.

વડોદરા શહેરમાં રાવપુરા વિસ્તારમાં આવેલી કચેરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં ફૉર્મ લેવા માટે ગઈ કાલે વહેલી સવારથી પબ્લિક ઊમટી આવી હતી. ભારે ભીડને પગલે અચાનક ધક્કામુક્કી થઈ હતી, જેમાં એક બાળકી તેની મમ્મીથી વિખૂટી પડી જતાં રડવા માંડી હતી. વડોદરા પોલીસનાં એસીપી મેઘા તેવરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી પ્રિયાંશી રાણાને લઈને તેની મમ્મી ફૉર્મ લેવા આવી હતી. ભીડ વધુ હોવાથી મમ્મીએ દીકરીને બહાર એક વેહિકલ પાસે બેસાડી હતી. એ દરમ્યાન ધક્કામુક્કી થતાં મમ્મી અને દીકરી જુદી પડી ગઈ હતી. દીકરી તેની મમ્મીને શોધતી-શોધતી રડતી હતી. એ દરમ્યાન અમારા એક જવાન મહેશે જોતાં તેણે તેને સાચવી હતી. એ છોકરી મળતાં તેની સાથે બેસીને અમે વાત કરી અને તેનાં મમ્મી-પપ્પા વિશે માહિતી જાણીને ફોન પર સંપર્ક કર્યો અને તેની મમ્મીને બોલાવી હતી. જોકે એ વખતે તેની મમ્મી પણ દીકરીને શોધતી હતી. પ્રિયાંશીની મમ્મી આવતાં તેમને દીકરી સોંપી દીધી હતી.’

પોલીસે આ નાનકડી દીકરીને એક કલાક સુધી સાચવી રાખી હતી અને નાસ્તો કરાવી તેની મમ્મીને શોધીને દીકરીનું મિલન કરાવતાં માહોલ ભાવુક બન્યો હતો.

વડોદરામાં ‘ઘરનું ઘર’ મેળવવા માટે ગઈ કાલે રાવપુરા કચેરીની બહાર લોકોની ભારે ભીડ થઈ હતી. ભારે ભીડને પગલે ધક્કામુક્કી થતાં અનેક મહિલાઓ સહિત ઘણા લોકો નીચે પડી ગયા હતા અને દબાઈ ગયા હતા. ઘણા લોકોએ દીવાલ કૂદીને અંદર જવાનો પ્રયાસ કર્યો હતો અને દરવાજા પાસે પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતાં અવ્યવસ્થા સર્જાતાં પોલીસ આવી પહોંચી હતી અને સત્તાવાળાઓએ ફૉર્મનું વિતરણ સ્થગિત કરી દીધું હતું.

gujarat news vadodara shailesh nayak