થોડા જ સમયમાં ભારતીય કિનારા સાથે ટકરાશે વાવાઝોડું 'ક્યાર'...

27 October, 2019 05:42 PM IST  |  અમદાવાદ

થોડા જ સમયમાં ભારતીય કિનારા સાથે ટકરાશે વાવાઝોડું 'ક્યાર'...

ક્યાર વાવાઝોડું

અરબ સાગરમાં મામૂલી વાવાઝોડા તરીકે શરૂ થયેલું ક્યારે આગામી કેટલાક કલાકોમાં તોફાન સ્વરૂપે ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રના કિનારાના વિસ્તારોમાં ત્રાટકી શકે છે. વાવાઝોડાના કારણે ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે દિવાળીના તહેવાર બગડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના અનુસાર આગામી 24 કલાકમાં પૂર્વ-મધ્ય અરબ સાગરમાં લહેરોની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. જેના કારણે ઉત્તરીય કર્ણાટક પાસેના વિસ્તારોમાં તોફાની હવાઓ ભયંકર રૂપ લઈ શકે છે. જેના કારણે ઉતર કર્ણાટકના આંતરિક અને તટના ક્ષેત્રોમાં હવા સાથે ભારે વરસાદની સંભાવના છે.

કોંકણ અને ગોવાના તટના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવવા છે. સાથે જ ઓરિસ્સા, અસમ અને મેઘાયલમાં જ તેનો પ્રભાવ ભારે વરસાદના રૂપમાં જોવા મળશે. આઈએમડીએ એમ પણ કહ્યું કે દક્ષિણ ગુજરાતના કિનારાના વિસ્તારોમાં સમુદ્રની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેશે. સાથે જ સૌરાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તોફાનના કારણે વરસાદની સંભાવના છે.

આ પણ જુઓઃ સિતારાઓથી સજી એકતા કપૂરની દિવાળી પાર્ટી, જુઓ ફોટોસ

આ પહેલા આઈએમડીએ આગામી બે દિવસ માટે ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં રેડ અલર્ટ જાહેર કર્યું હતું. કર્ણાટકમાં શાળા અને કૉલેજમાં રજા આપી દેવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના છે.વાવાઝોડું દર છ કલાકે સાત કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી ૧૨ કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બની શકે છે. વાવાઝોડાને કારણે ખેડૂતોના તૈયાર પાકને વધારે નુકસાન થવાની સંભાવના રહેલી છે. 

હાલ ૭૦થી ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડું વધુ મજબૂત બન્યા બાદ ઓમાન તરફ ફંટાશે. જોકે, વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકિનારે જોવા મળશે. વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સંભવિત સાયક્લોનને લઈને ગુજરાત તંત્ર અલર્ટ છે, ત્યારે વાવાઝોડાની શક્યતાને પગલે દ્વારકાના મત્સ્ય ઉદ્યોગ વિભાગના અધિકારીઓએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. દ્વારકાના સાયલા, વાડીનાર, ભોગત, નાવદ્રા બેટનાં બંદરોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે.

gujarat diwali