ચીનમાં કોરોના વાઈરસનો હાહાકાર: ગુજરાત સરકારે હેલ્પલાઈન નંબર કર્યો જાહેર

29 January, 2020 07:55 AM IST  |  Vadodara

ચીનમાં કોરોના વાઈરસનો હાહાકાર: ગુજરાત સરકારે હેલ્પલાઈન નંબર કર્યો જાહેર

પ્રતીકાત્મક તસવીર

ચીનમાં કોરોના વાઈરસને પગલે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે ગુજરાત રાજ્યના વડોદરા શહેરની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે કોરોના વાઈરસ અંગે દર્દીઓ માટે ખાસ આઈસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.

કોરોના વાઈરસને કારણે ચીનનું વુહાન સિટી લૉકડાઉન કરી દેવાયું છે જેમાં અભ્યાસ અર્થે ગયેલા કુલ 20 ગુજરાતી વિદ્યાર્થીઓ ચીનના વુહાન સિટીમાં ફસાયા છે. હાલ કોરોના વાઈરસને કારણે તંત્ર એક્શનમાં આવ્યું છે. ત્યારે ગુજરાત સરકારના આદેશ બાદ ડબ્લ્યુએચઓની ગાઈડલાઈન પ્રમાણે જિલ્લાના તમામ ડૉક્ટરો, એરપોર્ટ ઑથોરિટી અને કોર્પોરેશન સહિતના ડૉક્ટરોની સૌપ્રથમ એક કૉન્ફરન્સ યોજાઈ હતી, જેમાં બે કલાક કોરોના વાઈરસ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી એક રણનીતિ ઘડવામાં આવી હતી જેના ભાગરૂપે વડોદરાની સૌથી મોટી એસ.એસ.જી હોસ્પિટલમાં કોરોના વાઈરસ માટેના દર્દીઓ માટે એક ખાસ આઈસોલેશન વૉર્ડ
ઊભો કરવામાં આવ્યો છે જેમાં બધી સુવિધાઓ જેવી કે વેન્ટિલેટર, એક્સરે મશીન, સોનોગ્રાફી મશીનની સાથે-સાથે તમામ દવાઓનો સ્ટૉક રાખવામાં આવ્યો છે.

ગુજરાત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ચીનમાં કોરોનાવાઈરસના અંગે નિર્માણ થયેલી સ્થિતિમાં ગુજરાતના જે લોકો ફસાયેલા છે તેની સંપૂર્ણ વિગતો મેળવી જરૂરી તમામ સહાયતાના માટે મુખ્ય સચિવને સૂચનાઓ આપી છે. માહિતી અનુસાર આવા વિદ્યાર્થીઓના પરિવારો જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રહે છે તેઓના રાજ્ય સરકારનું રિલીફ કમિશનર તંત્ર સંપર્ક કરીને સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો મેળવશે.

ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ માટે કન્ટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જે પરિવારોના બાળકો ચીનમાં અભ્યાસ માટે ગયા છે અને ફસાયા છે, તેઓ પરિવારો પોતાના બાળકોની ત્યાંની વિગતો તથા તેમને ગુજરાત પરત લાવવાની સુવિધાઓ માટે ગુજરાત રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં સંપર્ક કરી શકશે.

આ માહિતી અનુસાર જે સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે તે આ મુજબ છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલ રૂમ 079-23251900 તેમજ કલેકટર 9978405741, 9099016213 અને મામલતદાર 9978405743ને કૉલ કરી તમારી વિગતો આપી શકો છો.

gujarat ahmedabad vadodara Vijay Rupani