અમદાવાદમાં વધુ 12 હૉસ્પિટલો કોવિડ-19 કૅર સેન્ટર બનશે

11 May, 2020 11:02 AM IST  |  Ahmedabad | Agencies

અમદાવાદમાં વધુ 12 હૉસ્પિટલો કોવિડ-19 કૅર સેન્ટર બનશે

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં કોરોનાનો કેર વધી રહ્યો છે. જેમાં દરરોજ સરેરાશ ૨૫૦ જેટલા દરદીઓનો વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ કૉર્પોરેશને ખાનગી હૉસ્પિટલોની પણ મદદ લીધી છે અને વધુ ૧૨ ખાનગી હૉસ્પિટલોમાં કોરોના કૅર સેન્ટર ઊભાં કરવા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે ઓર્ડર બહાર પાડ્યો છે. જેમાં નવરંગપુરામાં શ્રેય હૉસ્પિટલ, નિધિ હૉસ્પિટલ અને સોલાર હૉસ્પિટલ, પાલડીમાં એમ્સ હૉસ્પિટલ, નરોડામાં રૂદ્રાક્ષ હૉસ્પિટલ, સૈજપુરમાં કર્ણાવતી સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલ અને ઈસનપુરમાં રતન હૉસ્પિટલ, વસ્ત્રાલમાં સ્પંદન હૉસ્પિટલ, બોપલમાં સરસ્વતી હૉસ્પિટલ, ગોપાલ આઇસીયુ અૅન્ડ ટ્રોમા સેન્ટર અને ગુજરાત કૉલેજ વિસ્તારમાં સ્તવ્ય સ્પાઇન હૉસ્પિટલમાં કોવિડ કૅર સેન્ટર ઊભાં કરાશે.

અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે એઇમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરિયા અને ડૉ. મનીષ સુનેજાએ અમદાવાદ સિવિલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ તેમણે પ્રેસ કૉન્ફરન્સ સંબોધતાં જણાવ્યું હતું કે અમદાવાદના તબીબ સાથે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમનામાં રોગ-પ્રતિકારકશક્તિ ઓછી છે તેમને ચેપ લાગવાના ચાન્સ વધારે છે. લક્ષણ દેખાય તો તેમણે તુરંત સારવાર કરાવવી જોઈએ. હૉસ્પિટલમાં મોડા દાખલ થવાથી દરદીનું મોત થતું હોય છે.

રાજ્ય સરકારે કોરોનાનો મૃત્યુદર ઘટાડવા સમગ્રતયા ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. સાથે સાથે અહીંના તબીબો અને અન્ય સંલગ્ન સ્ટાફે ખૂબ સરસ રીતે દરદીઓની સેવા-સારવાર કરી છે. ખૂબ જ ટૂંકા સમયમાં ૧૨૦૦ બેડની હૉસ્પિટલ અને સમગ્ર માળખું તૈયાર કરવા બદલ રાજ્યના આરોગ્ય તંત્રની સરાહના કરતા તેમણે જણાવ્યું હતું કે જે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખું ઊભું કરવામાં આવ્યું છે તે ખૂબ જ અદ્યતન છે જે દેશ માટે ગૌરવની વાત છે.

gujarat ahmedabad coronavirus covid19 lockdown