કોરોના વાઈરસની અસર: સુરતમાં એકને કારણે 5537 ક્વૉરન્ટીન

26 March, 2020 07:46 AM IST  |  Surat | Tejash Modi

કોરોના વાઈરસની અસર: સુરતમાં એકને કારણે 5537 ક્વૉરન્ટીન

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસનો ખતરો ભારતમાં ધીમે ધીમે વધી રહ્યો છે, તેમાં પણ ગુજરાતમાં પોઝીટીવ કેસોની સંખ્યા જે રીતે વધી રહી છે તે ચિંતાનો વિષય છે. ગુજરાત બહારથી પ્રવાસ કરી આવેલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવવાના કિસ્સાઓ વચ્ચે સુરતમાં આવેલા એક પોઝિટિવ કેસને પગલે આખું આરોગ્ય તંત્ર અને મનપાનું તંત્ર દોડતું થઇ ગયું છે, કારણ કે કાપડ માર્કેટના એક કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી તેના સંપર્કમાં આવેલા ૫,૫૩૭ લોકોને હોમ ક્વૉરન્ટીનમાં રહેવાના આદેશ કરવામાં આવ્યા છે, તો તેના નજીકના ૨૮ લોકોને સમરસ હોસ્ટેલ ખાતેના ક્વૉરન્ટીન વોર્ડમાં મોકલી આપવામાં આવ્યા છે.

સુરતમાં કોરોના વાઇરસની સ્થિતિ અંગે પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, કોરોનાના હાલ ૪૯ કેસો નોંધાયા છે. જેમાં ૬ પોઝિટિવ કેસ છે. ૧૨ લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે. જ્યારે એક દર્દી વેન્ટિલેટર પર, છે જ્યારે ૧ બાયપેપ, ૧ ઓક્સિજન પર છે. સારવાર લઇ રહેલા પૈકી ૬ કેસો પોઝીટીવ તો ૮ દર્દીના લેબ રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. પાલિકા દ્વારા ડિસઈન્ફેક્શનની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ કામગીરી વચ્ચે શહેરનું આરોગ્ય તંત્ર દોડતું થયું હતું કારણ કે પર્વત પાટીયા વિસ્તારમાં રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધ જેઓ રિંગ રોડ વિસ્તારમાં આવેલી રાધા કૃષ્ણ ટેક્સટાઈલ (આરકેટી) માર્કેટમાં આવેલી એક દુકાનમાં નોકરી કરતા હતાં અને થોડા દિવસ અગાઉ કલકત્તાથી સુરત આવ્યા હતા, અને પોતાના ઘર અને દુકાન પર અવરજવર કરી રહ્યાં હતા. આ દરમિયન તેમને કોરોનાના લક્ષણ દેખાતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, તપાસ દરમિયાન વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ અંગે પાલિકા કમિશનરે કહ્યું હતું કે આરકેટી માર્કેટના વેપારીમાં કોરોના પોઝિટિવ આવતા તેમના રહેઠાણ અને વેપારના સ્થળ પર સંપર્કમાં રહેતા લોકોને ક્વૉરન્ટીન કરવાની કામગીરી કરવામાં આવી છે. બીજી તરફ, વૃદ્ધ જેટલા દિવસ માર્કેટમાં રહ્યાં હતાં તેટલા દિવસ દરમિયન હજારો લોકોની અવરજવર ત્યાં હતી, જેને પગલે અંદાજે ૫,૫૩૭ લોકોને ૨૧ દિવસ સુધી હોમ ક્વૉરન્ટીનમાં રહેવા તાકીદ કરવામાં આવી છે. આ તમામ લોકોની પાછળથી તપાસ કરવામાં આવશે, જ્યાં સુધી તપાસ ન થાય ત્યાં સુધી તમામ લોકો ક્યાંય પણ બહાર જઈ શકશે નહીં. ત્યાંજ કોઈની તબિયત બગડે તો પાલિકાના આરોગ્ય વિભાગનો સંપર્ક કરી શકે છે.

gujarat surat coronavirus covid19