આજે પાટીદારો પ્રગટાવશે દીવડા અને કરશે મા ઉમિયાને પ્રાર્થના

26 April, 2020 12:03 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

આજે પાટીદારો પ્રગટાવશે દીવડા અને કરશે મા ઉમિયાને પ્રાર્થના

આજે પાટીદારો પ્રગટાવશે દીવડા

કોરોનાની મહામારીમાંથી સમગ્ર વિશ્વને ઉગારવા માટે દેશ અને દુનિયામાં વસતા અંદાજે ૬૦ લાખ જેટલા કડવા પાટીદાર પરીવારો આજે સાંજે દિવા પ્રગટાવીને ઉમિયા માતાજીને પ્રાર્થના કરશે. ગુજરાતના ઉંઝામાં આવેલી કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાને ઉમિયા માતાજીનો સંદેશ બહાર પાડીને પાટીદારો સુધી પહોંચાડયો છે.

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝાના માનદમંત્રી દિલીપ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાના અનુસંધાને સંસ્થાન દ્વારા ઉમિયા માતાજીને પ્રાર્થના કરવા સંદેશ બહાર પાડવામાં આવ્યો છે. ગુજરાત, મુંબઈ તેમજ ભારતમાં અને વિદેશમાં ૬૦ લાખ જેટલા કડવા પાટીદાર પરિવારો રહે છે. આ દરેક જગ્યાએ સંસ્થાન દ્વારા માતાજીનો સંદેશ પહોંચાડવામાં આવ્યો છે. જેમાં કહ્યું છે કે આપણે સૌ અખાત્રીજને રવિવારે સાંજે સાડા સાત વાગ્યે સમગ્ર વિશ્વમાં એક જ સમયે પરિવાર સાથે પોતાના ઘરના મંદિરમાં દીપ પ્રગટાવી મા ઉમિયાને પ્રાર્થના કરીએ. કોરોનામાંથી માનવજાતને બચાવવા માટે પ્રાર્થના કરવા અને દીપ પ્રગટાવવા અપીલ કરી છે. પાટીદાર સિવાયના બીજા સમાજના નાગરિકો પણ દીપ પ્રગટાવી શકે છે અને પ્રાર્થના કરી શકે છે. વિજ્ઞાનની સાથે સાથે આસ્થા – શ્રધ્ધા – ભક્તિ આપણને કોઇ પણ સંકટ સામે ઝઝૂમવા માટે શક્તિ અને બળ પૂરું પાડતી હોય છે.’

gujarat shailesh nayak ahmedabad coronavirus