Corona Impact: ફૂડ પૅકેટોનું વિતરણ કરવા ગયા એમાં લાગ્યો કોરોનાનો ચેપ

07 April, 2020 06:57 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

Corona Impact: ફૂડ પૅકેટોનું વિતરણ કરવા ગયા એમાં લાગ્યો કોરોનાનો ચેપ

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદ અને વડોદરામાં સમાજ માટે આઇ ઓપનર કેસ બન્યા છે. કોરોનાના કારણે લૉકડાઉનની પરિસ્થિતિમાં જરૂરિયાતમંદો માટે ફૂડ પૅકેટનું વિતરણ કરવાની સેવા કરતા અમદાવાદના મણિનગર વિસ્તારના એક ભાઈ અને વડોદરાના નાગરવાડા વિસ્તારના એક ભાઈ કોરોનાની ઝપટમાં આવી ગયા છે અને આ બન્નેના રિપૉર્ટ પૉઝિટિવ આવતાં તેમને હૉસ્પિટલમાં સારવાર માટે ઍડ્મિટ કરાયા છે. ચોંકાવનારી બાબત એ છે કે વડોદરાના કેસમાં કોરોનાગ્રસ્ત થયેલા ભાઈના દીકરાનો પણ કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

કોરોનામાં લૉકડાઉન થયેલા અમદાવાદના જરૂરિયાતમંદ નાગરિકો માટે મણિનગર વિસ્તારમાં આવેલી જૈન ભોજનશાળામાં જમવાનું તૈયાર કરીને આપવા માટેના સેવાકાર્યમાં પુષ્પકુંજ વિસ્તારના પંચાવન વર્ષના એક ભાઈ જોડાયા હતા. આ ભાઈની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવી છે, જેના કારણે તેમને હૉસ્પિટલમાં સારવાર માટે ઍડ્મિટ કરવામાં આવ્યા છે અને તેમની ફૅમિલીને ક્વૉરન્ટીન કરાઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યું હતું કે ‘આ એક દાખલો છે. બિનજરૂરી બધા લોકોએ ફૂડ પૅકેટ બનાવીને વહેંચણી કરવા નહીં નીકળવાનું, કેમ કે વીસ-પચીસ ફૂડ પૅકેટ બનાવવા માટે વીસ-વીસ લોકો લાગી જાય છે અને પછી એનું વિતરણ કરવા નીકળે છે એ આ વાઇરસનું જે ઇન્ફેક્શન છે, જે ટ્રાન્સમિશન છે એને અટકાવવામાં ખૂબ બાધક–બાધારૂપ બને છે. એટલે અપીલ કરું છું બધા લોકોને કે ફૂડ પૅકેટ બિનજરૂરી કોઈ પણ કિચનમાં બનાવે નહીં અને જે પાંચ–દસ હજાર જેટલી મોટી સંખ્યામાં બનાવતા હોય તે અમારો સંપર્ક કરે. અમે એની વિતરણ વ્યવસ્થા ગોઠવી દઈશું.’

બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેલ્થ ઑફિસર ડૉ. દેવેશ પટેલે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ફૂડ ડિસ્ટ્રિબ્યુશન કરતા ભાઈનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે ઍડ્મિટ કરાયા છે. તેમના સનનો પણ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આ ભાઈ જે વિસ્તારમાં રહે છે એ નાગરવાડા વિસ્તારને ક્વૉરન્ટીન કરાયો છે.’

વડોદરામાં ફૂડ પૅકેટ વહેંચનારાઓ પર બંધી

વડોદરામાં ફૂડ ડિસ્ટ્રિબ્યુશનનું કામ કરનાર વ્યક્તિને કોરોના પૉઝિટિવ આવતાં અને શહેરમાં રાહત સામગ્રી લઈને ફરતા લોકો પર અંકુશ મૂકી નિયંત્રિત કરવા માટે વડોદરા શહેરમાં ફૂડ પૅકેટ અને રાહત સામગ્રી વહેંચનારા પર વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધ મુકાયો છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદીપ સિંહ જાડેજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉન દરમ્યાન વડોદરામાં ફૂડ પૅકેટ તેમ જ રાહત સામગ્રીનું વિતરણ કરી સેવાકાર્ય થાય છે એ પ્રશંસનીય છે, પરંતુ રાહત સામગ્રી વહેંચવાના બહાને કેટલાક લોકો શહેરમાં બિનજરૂરી રીતે ફરી રહ્યા છે. ગઈ કાલે નાગરવાડા વિસ્તારના એક ભાઈ જે રાહત આપવા જતા હતા તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. સંસ્થાઓ અને નાગરીકોની સારી ભાવના છે પણ આ એક કેસ કોરોના પૉઝિટિવ નીકળ્યો છે જેના કારણે આખો નાગરવાડા વિસ્તાર ક્વૉરન્ટીન કરાયો છે. આમ થતું રહ્યું તો લૉકડાઉનનો અર્થ સિદ્ધ નહીં થાય. એટલે પ્રિકૉશનના ભાગરૂપે વડોદરા શહેરમાં કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ શહેરમાં ફરી ફૂડ પૅકેટ કે રાહત સામગ્રીનું વિતરણ કરી શકશે નહીં.’

shailesh nayak ahmedabad vadodara coronavirus gujarat