Coronavirus Outbreak: કોરોનાને કારણે ગુજરાતનો મૃત્યુદર સૌથી વધુ

05 April, 2020 08:11 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Outbreak: કોરોનાને કારણે ગુજરાતનો મૃત્યુદર સૌથી વધુ

પ્રતિકાત્મક તસવીર

ભારત સહીત વિશ્વભરના દેશો કોરોના વાયરસ (COVID-19)ની મહામારીને લઈને ચિંતામાં છે ત્યારે તાજેતરમાં આવેલા આંકડાઓએ જાણે આંખો પહોળી કરી દીધી છે. આ આંકડાઓ ગુજરાત માટે ચિંતાજનક છે. દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની ટકાવારી 2.80% જયારે ગુજરાતનો ડેથ રેશિયો 9% છે.

ભારત સરકારના રાજ્ય મુજબ આંકડા જોઈએ તો., દેશમાં કોરોનાના નોંધાયેલા કેસની સામે મૃત્યુદર 2.80% છે. જયારે આ રેશિયો ગુજરાતમાં 9%થી વધુ છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. પરંતુ મહારાષ્ટ્રમાં મૃત્યુનું પ્રમાણ 5.35% છે. ગુજરાતમાં 5 એપ્રિલ સુધીમાં કોરોના પોઝિટીવના 122 કેસ નોંધાયા છે જેમાંથી 11 લોકોનું મૃત્યુ થયું છે. તે જ રીતે ભારતમાં નોંધાયેલા 3798 કેસમાંથી 105 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં 11 એવા રાજ્યો છે જ્યાં 100થી વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે. જયારે મૃત્યુદર વધારે હોય એવા રાજ્યોમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર તેલંગાના અને કર્નાટક મુખ્ય છે.

આંકડાની રીતે જોઈએ તો પણ વૈશ્વિક મૃત્યુદર કરતા ગુજરાતમાં કોરોનાના કારણે મરનારાઓનો દર ઘણો જ ઉંચો છે. ગ્લોબલી આજ સુધીમાં 12 લાખ પોઝિટીવ કેસ નોંધાયા છે જેમાંથી 64,790 લોકો મૃત્યુ પામ્યા છે. એટલે કે મૃત્યુદર 5.40% છે. આની સરખામણીએ ગુજરાતની ટકાવારી 9.01% નોંધાઈ છે. મૃત્યુદરની ટકાવારી જોઈએ તો કોરોના મહામારીનો ભોગ બનેલા ટોચના દેશોની સરખામણીએ ગુજરાત મરણની ટકાવારીની રીતે પાંચમાં નંબર પર આવે છે. વૈશ્વિક સ્તરે ઈટાલીમાં મૃત્યુદર સૌથી વધુ 12.3% છે, ત્યાર બાદ ફ્રાંસ 10%, નેધરલેન્ડ અને સ્પેન 9.4% અને બ્રિટન 9.3% છે.

જ્યાં સુધી કોરોના ચેપગ્રસ્ત લોકોના સાજા થવાની વાત છે તો તેમાં ગુજરાત બીજા સ્થાને છે. ગુજરાતમાં આજ સુધીમાં 17 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે. આ રીતે નોંધાયેલા દર્દીઓની તુલનામાં રિકવરી રેશિયો 13.93% છે.

coronavirus covid19 gujarat maharashtra india