કોરોનાના ડરથી અમદાવાદથી ગામ જવા નીકળેલા 32 મજૂરોની રઝળપાટ

26 March, 2020 11:23 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કોરોનાના ડરથી અમદાવાદથી ગામ જવા નીકળેલા 32 મજૂરોની રઝળપાટ

પાનમાંથી બનાવ્યા માસ્ક્સ : અમદાવાદથી પાછા ફરેલા મજૂરોને ઝાપટિયા ગામમાં કોરોનાથી લડવાના માસ્ક્સ ન મળતાં હોવાથી તેમની પાસે હાથવગા એવા ઝાડનાં પાનના જ માસ્ક્સ બનાવી એનો ઉપયોગ કર્યો હતો

મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદના ઝાપટિયા ગામના ગરીબ રહેવાસીઓ હોળી પછી મજૂરી માટે અમદાવાદ ગયા હતા અને કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતા હતા, પણ કોરોનાના ડરથી તેમણે મંગળવારે કોઈને પણ કહ્યા વગર વતનની વાટ પકડી હતી. લૉકઆઉટને કારણે તેમને કોઈ વાહન મળ્યું નહોતું અને સરકારી બસો પણ બંધ હતી એથી તેઓએ પગપાળા જ ઘર તરફ પ્રયાણ કર્યું હતું.

કોરોનાના સમાચાર જેમ-જેમ ફેલાતા ગયા એમ ઝાપટિયા ગામના આ મજૂરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. એક તો કામ બંધ થઈ ગયું હતું. બીજું, ઘર જેવી સેફ્ટી બીજે ક્યાંય ન મળે એમ વિચારી આ મજૂરો કોઈને કશું પણ કહ્યા વગર ત્યાંથી ગામ જવા પગપાળા જ નીકળી ગયા હતા. આ વિશે વધુ માહિતી આપતા ઝાપટિયા ગામમાં જ રહેતા અને એનજીઓ આનંદી માટે કામ કરતા મહેશ રાઠવાએ ‘મિડ-ડે’ ને કહ્યું હતું કે ‘કુલ ૩૨ જણ હતા જેમાં ૩ મહિલાઓ અને બાકીના પુરુષો હતાં. ગામમાં તેમની નાની એવી જમીન છે અેકથી દોઠ વીઘા, એમાં તેમને ખાવાપૂરતું અનાજ એ લોકો ઉગાડી લે, પણ પૈસા કમાવા એ લોકો મોટી સિટીમાં મજૂરીએ જતા હોય છે. કોરોનાના ગભરાટના કારણે મંગળવારે એ લોકો અમદાવાદથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગયા હતા. તેમને કોઈ બસ નહોતી મળી કે કોઈ વાહન નહોતું મળ્યું એથી પગપાળા જ આવી રહ્યા હતા, ત્યારે કોઈ સેવાભાવી સંસ્થાઓએ તેમની પૂછપરછ કરી હતી. તેમની કેફિયત જાણી તેમણે તેમને ખાવાનું અને પાણી આપ્યાં હતા. ત્યાર બાદ તેમને એક વાહનમાં પિપલોદ સુધી મૂકી પણ ગયા હતા. એ પછી તેમણે પરિવારનો સંપર્ક કરતાં અમારા ગામમાં અમને જાણ થઈ હતી. અમારું ગામ પિપલોદથી અંદાજે ૪૦ કિલોમીટર દૂર છે. એથી તેમને લઈ આવવા માટે ગામમાંથી જ એક ગાડી મોકલી હતી, પણ એ ગાડીને પોલીસે રસ્તામાં જ રોકી હતી. એથી અમે કલેક્ટરને ફોન કરી તેમની મદદ માગી હતી અને વિગત જણાવી હતી. તેમણે ત્યાર બાદ પરવાનગી આપતા અમે એ ૩૨ ગામવાસીઓને ગામમાં લાવી શક્યા હતા. ગામમાં ૩ ડૉક્ટરો છે તેમણે તેમની તપાસ કરી છે, પણ કોઈ જોખમ જણાયું નથી. હાલ એ લોકો તેમના પરિવાર સાથે રહી રહ્યા છે. ગામવાસીઓએ એ સેવાભાવી લોકો અને કલેક્ટકરનો આભાર માન્યો છે.’

gujarat ahmedabad coronavirus covid19