અમદાવાદમાં હવે કરિયાણા, શાકભાજી, ફળની દુકાનો ખૂલશે

13 May, 2020 07:52 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અમદાવાદમાં હવે કરિયાણા, શાકભાજી, ફળની દુકાનો ખૂલશે

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના અમદાવાદમાં હવે કરિયાણું, શાકભાજી અને ફળની દુકાનો તા.૧૫ મેથી ખુલશે. એટલુ જ નહીં પરંતુ આ દુકાનોમાં નાગરિકો રોકડમાં પણ વ્યવહાર કરી શકશે.જો કે તેના માટે દુકાનદારે રોકડ રકમ સ્વીકારવા માટે અલગથી ટ્રે રાખવાની રહેશે.

અમદાવાદ શહેરમાં કોવિડ – 19ની સમગ્ર કામગીરીની દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનીટરિંગ માટે નિમાયેલા વિશેષ અધિકારી ડૉ.રાજીવકુમાર ગુપ્તાએ આ અંગે વિગતો આપતા કહ્યું હતું કે ‘તા.૧૫ મેના રોજ સંપૂર્ણ લૉકડાઉનનો સમયગાળો પૂરો થતો હોવાથી નાગરીકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ કરિયાણું, શાકભાજી, ફળ તથા અનાજ દળવાની ઘંટી વગેરે ઉપલબ્ધ થાય તે માટે તેને સંલગ્ન દુકાનો, ફેરીયાઓ તથા હોમડીલીવરી સેવાઓ તા.૧૫ મેથી શરતોને આધીન ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણથી બચવા શકય હોય ત્યાં સુધી ડિજિટલ પેમેન્ટથી વ્યવહાર કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે,જો કે આમ કરવું ફરજિયાત નથી. રોકડથી પણ વ્યવહાર થઇ શકશે. પરંતુ રોકડ સ્વીકારવા માટે અલગથી ટ્રે રાખવાની રહેશે.દુકાનમાં કામ કરતા તમામ લોકોએ તથા ફેરીયાઓએ હેન્ડ ગ્લવ્ઝ, સેનેટાઇઝર, કેપ, માસ્ક પહેરી રાખવાના રહેશે.દુકાનમાં રોકડ સ્વીકાર અને ચીજવસ્તુની આપ લે કરતી વખતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે પ્લાસ્ટિક અથવા એ પ્રકારનું યોગ્ય આવરણ રાખવાનું રહેશે. હોમ ડિલિવરી માટે સામાન્ય રીતે જુદી જુદી મોબાઇલ એપનો ઉપયોગ થતો હોય પેમેન્ટ પણ એપ મારફતે જ ડિજિટલ મોડથી કરવાનું રહેશે.’

gujarat ahmedabad lockdown covid19 coronavirus shailesh nayak