ગુજરાતમાં કોરોનાના કુલ 82 કેસ, મૃત્યુઆંક 8 પર

01 April, 2020 12:22 PM IST  |  Gandhinagar | Agencies

ગુજરાતમાં કોરોનાના કુલ 82 કેસ, મૃત્યુઆંક 8 પર

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોના કેસો અટકવાનું નામ ન લેતા હોય તેમ આજે પણ વધુ બે કેસો બહાર આવ્યા છે. અમદાવાદ કોરોના મહામારીમાં ગુજરાતનું એપી સેન્ટર બની રહ્યું છે. અને જ્યાં વધુ કેસો નોંધાય એની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં ક્લ્સ્ટર શોધીને સઘન તપાસ ચાલી રહી છે.

કોરોના વાઇરસના પગલે ચાલી રહેલા ૨૧ દિવસના લૉકડાઉનમાં ગુજરાતમાં પણ એના અમલની વચ્ચે આજે કોરોનાના વધુ બે કેસ પૉઝ‌િટ‌િવ નોંધાતાં ગુજરાતમાં હવે કોરોનાના કુલ કેસો વધીને 82 પર પહોંચી ગયા છે અને મૃત્યુઆંક 8 પર છે. 82માંથી સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાતાં અમદાવાદ શહેર આ રોગ માટેનું એપી સેન્ટર બની રહ્યું હોવાનું ચિત્ર ઊપસી રહ્યું છે. કેસો નોંધવાની વચ્ચે ૪ દરદીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા હોવાના પણ રાહત સમાન અહેવાલ છે. એમ છતાં સરકારે લોકોને લૉકડાઉનનો કડક અમલ કરવા આજે પણ વારંવાર ચેતવણી આપી હતી. એક રીતે જોઈએ તો ગુજરાતમાં રોજેરોજ કોરોનાના નવા-નવા કેસો બહાર આવી રહ્યા છે જે લોકલ ટ્રાન્સમિશન પ્રક્રિયાના છે, કમ્યુનિટી સંક્રમણ નથી જે એક પ્રકારે રાહતરૂપ કહી શકાય.

ગુજરાતમાં કોરોના મહામારીના કેસોની માહિતી આપવા માટે સરકાર દ્વારા નિયુક્ત આરોગ્ય સચિવ જયંતી રવિએ આજે સવારે રૂટીન પત્રકાર પરિષદમાં કોરોનાની માહિતી આપતાં કહ્યું કે લૉકડાઉનની સ્થિતિ વચ્ચે રાજ્યમાં વધુ બે પૉઝ‌િટ‌િવ કેસ નોંધાયા છે અને રાજ્યમાં કુલ 82 પૉઝ‌િટ‌િવ કેસ નોંધાયા છે જેમાં બે નવા કોરોનાના કેસ નોંધાયા છે. એ લોકલ ટ્રાન્સમિશનના છે. એમાં એક અમદાવાદના પંચાવન વર્ષના પુરુષનો છે. આ ઉપરાંત ગાંધીનગર-અમદાવાદ બૉર્ડર પરના ખોરજની મહિલાનો રિપોર્ટ પણ છે. 82 કેસમાં ૩૭ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે જ્યારે ૩૨ કેસ વિદેશથી આવેલા અને ચાર કેસ આંતર રાજ્યથી આવેલા લોકોના છે. ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8 છે અને બે જણ વેન્ટ‌િલેટર પર છે જ્યારે અન્ય લોકોની તબિયત સ્થિર છે અને રાજ્યમાં પાંચ દરદીઓને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યભરમાં ૧૮ હજાર ૭૮ જેટલા લોકો હોમ ક્વૉરન્ટીનમાં છે, જ્યારે ૭૪૧ લોકો સરકારી ક્વૉરન્ટીનમાં છે. આમ રાજ્યમાં કુલ ૧૯ હજારથી વધુ લોકો ક્વૉરન્ટીનમાં છે.

તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૬.૧૫ કરોડ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જે કોરોના પૉઝિટ‌િવ કેસો નોંધાયા છે એમાં ૩૨ વિદેશ, ૪ આંતરરાજ્ય, ૩૭ લોકલ ટ્રાન્સમિશન કેસ છે. જયંતી રવિએ જણાવ્યું હતું કે ગોત્રી હૉસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડ તૈયાર કરવામાં આવશે અને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને જોતાં વધુ ૧૦ લાખ ટ્રિપલ લેયર માસ્કનો સ્ટૉક તૈયાર રાખવા પણ જણાવાયું છે.

તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે અમદાવાદમાં મેમનગરના ૩૮ વર્ષના અમેરિકાથી આવેલા યુવાનને એસવીપી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં સૅમ્પલ ટેસ્ટ કરતાં કોરોના પૉઝ‌િટિવ હોવાનું જણાતાં કુલ કેસ વધીને ૨૩ થયા છે. જોકે આજે સારાં ચિહન બે છે. આજે એક પણ મૃત્યુ નોંધાયું નથી અને ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટિઝન બે દરદીઓ સાજા થતાં તેમને એસવીપી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે સાજી થયેલી વ્યક્તિઓની સંખ્યા ત્રણની થઈ છે. આજે રજા અપાઈ છે એમાં ૬૫ વર્ષના પુરુષ અને ૬૨ વર્ષનાં મહિલાનો સમાવેશ થાય છે. બન્ને લાલ દરવાજાના રહીશ છે અને સાઉદી અરેબિયાના પ્રવાસ બાદ કોરોના થયો હતો. ગુજરાતમાં આજે ૩ નવા કેસો બહાર આવ્યા છે. કુલ આંક 82એ પહોચ્યો છે જેમાં ૬ને રિકવરી આવી છે, જ્યારે 8નાં મોત નીપજ્યાં છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ૧-૧ પૉઝિટિવ કેસનો વધારો થયો છે. અમદાવાદમાં ૨૩, ગાંધીનગરમાં ૧૦, રાજકોટ-૧૦, સુરત અને વડોદરામાં ૯-૯, ભાવનગરમાં ૬, ગીર સોમનાથમાં બે, મહેસાણા-કચ્છ-પોરબંદરમાં ૧-૧-૧ કેસ નોંધાયા છે. સુરતના રાંદેરમાં વૃદ્ધનો પૉઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા તબીબ સહિતના પાંચ જણને ક્વૉરન્ટીન કર્યા છે.

gujarat gandhinagar coronavirus covid19 ahmedabad