સુરતમાં બોર્ડ લગાવ્યાં : રેસિડેન્સી સિવાયની વ્યક્તિને પ્રવેશ નહીં

25 March, 2020 04:37 PM IST  |  Surat | Agencies

સુરતમાં બોર્ડ લગાવ્યાં : રેસિડેન્સી સિવાયની વ્યક્તિને પ્રવેશ નહીં

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસ વિશે લોકો ધીરે-ધીરે જાગ્રત થઈ રહ્યા છે. આ વાઇરસ લોકોના સંપર્કમાં આવવાને કારણે થાય છે ત્યારે લૉકડાઉનની પરિસ્થિતિમાં સુરતના રહેઠાણ વિસ્તારની વિવિધ સોસાયટીઓએ કોરોનાના સંક્રમણથી બચવા માટે નવતર પ્રયોગ કર્યો છે. એક સોસાયટીની બહાર બોર્ડ લગાવવામાં આવ્યું છે, ‘બહારના લોકોને અંદર પ્રવેશ મળશે નહીં.’

સુરતના મોટા વરાછા વિસ્તારની એક રેસિડન્સી દ્વારા તેમના અપાર્ટમેન્ટ બહાર બોર્ડ લગાડવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે કે ‘અહીં બહારના કોઈ પણ લોકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે લોકો આ રેસિડન્સીમાં રહે છે તેમના પ્રવેશ માટે વાહન પર એક ખાસ પ્રકારનું સ્ટિકર લગાવવામાં આવ્યું છે. જે લોકો પાસે આ સ્ટિકર ન હોય તેમને આ રેસિડેન્સીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. કોરોનાનો વાઇરસ લોકોના સંપર્કમાં આવતાં ચેપ લાગે છે ત્યારે બહારની કોઈ પણ વ્યક્તિ આવીને અહીં રહેતા લોકોને ચેપ ન લગાડે એ માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે તેમણે રેસીડેન્સીના લોકોને બહાર ન નીકળવાનો અનુરોધ પણ કર્યો છે.

રાજકોટ, વડોદરા, દાહોદમાં યુદ્ધના ધોરણે કામગીરી : સેનિટાઇઝેશનનું કામ શરૂ

કોરોના વાઇરસના પગલે આજે રાજ્યભરમાં લૉકડાઉન છે, જેનો ફાયદો ઉઠાવીને રાજ્યનાં વિવિધ શહેરોમાં સૅનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે, તો સાથે જ ગાંધીનગરમાં સરકારી કચેરીઓને સૅનિટાઇઝ કરવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવાઈ છે. ગાંધીનગર પોલીસવડાની કચેરીને સૅનિટાઇઝ કરવાની કામગીરી ગાંધીનગર ફાયરબ્રિગેડે કરી છે. રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં કૉર્પોરેશન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આરોગ્યની ટીમ દ્વારા લોકોના ઘર પાસે દવા રસ્તા પર છાંટવામાં આવી રહી છે. બીઆરટીએસ બસ-સ્ટૉપ પર પણ સૅનિટાઇઝર છાંટવામાં આવી રહ્યું છે. વડોદરામાં કૉર્પોરેશન તંત્રની સતત કામગીરી હોમ ક્વૉરન્ટીન કરાયેલાં ઘરોને તથા પડોશીઓના સૅનનિટાઇઝ કરાઈ રહ્યાં છે. દાહોદ શહેરના મુખ્ય માર્ગો સહિત સોસાયટીઓમાં પણ પોલીસે લોકોને સમજાવ્યા હતા.લૉકડાઉન દરમ્યાન દાહોદ નગરપાલિકા દ્વારા પણ કેટલાક વિસ્તારોમાં સૅનિટાઇઝ સ્પ્રે કરવામાં આવ્યું હતું. જૂનાગઢના કેશોદમાં કોરોના વાઇરસને લઈને તંત્ર અલર્ટ બન્યું છે. કેશોદમાં નગરપાલિકા દ્વારા શહેરમાં સૅનિટાઇઝિંગની કામગીરી હાથ ધરાઈ હતી. કેશોદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા કામ સિવાય જનતાને બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે.

gujarat surat coronavirus