કોરોના સંકટ : સૌથી વધુ રિક્વરી રેટ ધરાવનાર રાજ્યોમાં ગુજરાત 13મા નંબરે

25 May, 2020 02:34 PM IST  |  Gandhinagar | Agencies

કોરોના સંકટ : સૌથી વધુ રિક્વરી રેટ ધરાવનાર રાજ્યોમાં ગુજરાત 13મા નંબરે

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત રાજ્યમાં કોરોનાનો પ્રકોપ વધતો જાય છે ત્યારે રાજ્યમાં કુલ ચેપગ્રસ્તોની સંખ્યા ૧૩ હજારને પાર પહોંચી છે. જ્યારે ગુજરાતમાં કોરોનાના દર્દીઓને હરાવનારની સંખ્યામાં સતત સુધારો થઈ રહ્યો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત આ મામલે અન્ય રાજ્યોની સરખામણીમાં ૧૩મા સ્થાને છે. ગુજરાતમાં હાલ કોરોનાનો રિક્વરી રેટ ૪૨.૫૧ ટકા થઈ ગયો છે.

ગુજરાતમાં અગાઉની સરખામણીએ રિક્વરી રેટમાં ચોક્કસ સુધારો થયો છે, પરંતુ તેનાથી હજુ ખાસ હરખાવવા જેવું પણ નથી, કારણકે દેશનાં જે રાજ્યોમાં કોરોનાનો રિક્વરી રેટ સૌથી વધુ હોય તેમાં ગુજરાત હજુ ટોચનાં ૧૨ રાજ્યોમાં પણ નથી. ૨૨ મેની સ્થિતિ પ્રમાણે પંજાબમાં સૌથી વધુ ૮૯.૬૯ ટકા રિક્વરી રેટ છે. મતલબ કે પંજાબમાં નોંધાયેલા કુલ કેસમાંથી ૧૮૪૭ વ્યક્તિ સાજી થઈ ગઈ છે. પંજાબમાં અત્યાર સુધી કોરોનાથી ૩૯ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે.

કોરોનાનો સૌથી વધુ રિક્વરી રેટ ધરાવતાં રાજ્યોમાં કેરળ ૭૩.૯૧ ટકા સાથે બીજા સ્થાને છે. કેરળમાં નોંધાયેલા ૭૩૩ કેસમાંથી ૫૧૨ વ્યક્તિ સાજી થઈ ગઈ છે અને ત્યાં અત્યાર સુધી કુલ પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. હરિયાણા આ યાદીમાં ૬૬.૦૫ ટકા સાથે ત્રીજા સ્થાને છે. ત્યાં અત્યાર સુધી ૧૦૬૭ કેસમાંથી ૭૦૬ વ્યક્તિ સાજી થઈ ગઈ છે.

gujarat gandhinagar ahmedabad coronavirus covid19 lockdown