રાજકોટ : પ્રિન્સિપાલે શરૂ કરી શાકભાજીની લારી

21 July, 2020 07:30 AM IST  |  Rajkot | Rashmin Shah

રાજકોટ : પ્રિન્સિપાલે શરૂ કરી શાકભાજીની લારી

શાકભાજી વેચતા સ્કૂલના પ્રિન્સિપાલ

સ્કૂલો બંધ છે અને ઑનલાઇન એજ્યુકેશન વચ્ચે પણ ફી બાબતે અનેક પ્રકારના અવરોધ આવી રહ્યા છે. ઑફલાઇન એજ્યુકેશન બંધ હોવાથી પેરન્ટ્સ ફી આપવા રાજી નથી અને ઑનલાઇન એજ્યુકેશન વચ્ચે સ્કૂલ-મૅનેજમેન્ટ સૅલેરી ચૂકવવા રાજી નથી અને અમુક સ્કૂલ સક્ષમ પણ નથી. કોવિડ-19ના આવા સમયમાં રાજકોટની એક પ્રાઇવેટ સ્કૂલના પ્રિન્સિપાલ અનિલ ભટ્ટે ઘરખર્ચના બે છેડાને ભેગા કરવા માટે સવારના સમયે એજ્યુકેશન ક્ષેત્રમાં કાર્યરત રહેવાનું અને બપોર પછીના સમયમાં ઘરની આસપાસના વિસ્તારોમાં શાકભાજીની લારી શરૂ કરવાનું વિચારીને એ વિચારને અમલમાં પણ મૂકી દેવાની હિંમત દેખાડી છે. અનિલભાઈ કહે છે કે ‘અમે જ શીખવીએ છીએ કે જગતનું કોઈ કામ નાનું નથી ત્યારે અમારે શું કામ સંકોચ રાખવાનો. બધાં કામ મોટાં છે અને મહત્વનાં જ છે. નાસીપાસ થઈને ખોટાં પગલાં ભરવા કરતાં તો કર્મ કરવાની નીતિને અપનાવવી જોઈએ. મેં પણ એ જ કર્યું છે.’

અનિલ ભટ્ટ પ્રાઇવેટ સ્કૂલના પ્રિન્સિપાલ છે અને નાઇન્થથી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટનો તેઓ અંગ્રેજીનો સબ્જેક્ટ લે છે. સ્કૂલની જૉબ ચાલુ જ છે, પણ ઑનલાઇન એજ્યુકેશન આવી જતાં મૅનેજમેન્ટે સૅલેરી અડધી કરી એટલે બપોર પછી લેક્ચરની પાર્ટટાઇમ જૉબ પણ બંધ થઈ ગઈ, જેને લીધે અનિલભાઈની મન્થલી ઇન્કમ ૫૦,૦૦૦થી ઘટીને ૧૦,૦૦૦ રૂપિયા થઈ ગઈ. મોંઘવારી વચ્ચે ઘરના ખર્ચના બે છેડાને પહોંચી વળવું અઘરું થઈ જતાં લાંબી મથામણ અને મનોમંથન પછી અનિલભાઈને લાગ્યું કે એક જ કામ એવું છે જે તેઓ આસાનીથી કરી શકે અને એ કામ છે સીધા અને સરળ વેપારનું. અનિલભાઈએ એ જ સ્ટેપ લીધું અને તેમણે શાકભાજીની લારી શરૂ કરી દીધી.

હવે અનિલભાઈ વહેલી સવારે માર્કેટિંગ યાર્ડ જઈને હોલસેલમાં શાકભાજી ખરીદે છે અને પછી ઘરે આવીને ઑનલાઇન સ્કૂલ અટેન્ડ કરીને લારીના કામ પર લાગી જાય છે. અનિલભાઈને તેમનાં વાઇફ અને દીકરો-દીકરી પણ હેલ્પ કરે છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતા અનિલભાઈ પાસેથી હવે શાકભાજી ખરીદવાનું પણ તેમના પાડોશીઓને ગર્વ જેવું લાગે છે. મહેનતની માનસિકતાનું આ પરિણામ છે.

આ પણ વાંચો : સુરતમાં વધતા જતા કોરોના-કેસ વચ્ચે નવતર પહેલ કમ્યુનિટી આઇસોલેશન સેન્ટર

અમે જ શીખવીએ છીએ કે જગતનું કોઈ કામ નાનું નથી ત્યારે અમારે શું કામ સંકોચ રાખવાનો. બધાં કામ મોટાં છે અને મહત્વનાં જ છે. નાસીપાસ થઈને ખોટાં પગલાં ભરવા કરતાં તો કર્મ કરવાની નીતિને અપનાવવી જોઈએ. મેં પણ એ જ કર્યું છે.

- અનિલભાઈ ભટ્ટ

gujarat rajkot Rashmin Shah