સુરતમાં વધતા જતા કોરોના-કેસ વચ્ચે નવતર પહેલ કમ્યુનિટી આઇસોલેશન સેન્ટર

Updated: 20th July, 2020 08:47 IST | Shailesh Nayak | Ahmedabad

વિવિધ જ્ઞાતિ-સમાજ દ્વારા શરૂ કરાયાં છે આઇસોલેશન સેન્ટર , જેમાં ફ્રી અપાય છે સારવાર

સુરતમાં જૈન સમાજે શરૂ કરેલું કમ્યુનિટી આઇસોલેશન સેન્ટર.
સુરતમાં જૈન સમાજે શરૂ કરેલું કમ્યુનિટી આઇસોલેશન સેન્ટર.

સુરતમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં લઈને હવે પાટીદાર સમાજ, જૈન સમાજ, વાટલિયા - પ્રજાપતિ સમાજ, રાણા સમાજ, આહીર સમાજ, દાઉદી વોહરા સમાજ સહિતના સમાજોએ કમ્યુનિટી આસોલેશન સેન્ટર શરૂ કરીને સમાજના જરૂરિયાતમંદ દરદીઓની સેવા માટે અનોખી અને આવકારદાયક પહેલ કરી છે. સુરતમાં વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને આ સેન્ટરોમાં ૭૦૦ જેટલા બેડ ઊભા કરાયા છે અને કોરોનાનાં હળવાં લક્ષણ ધરાવતા દરદીઓને પોતાના સમાજના આઇસોલેશન સેન્ટરમાં બિલકુલ ફ્રીમાં સારવાર તેમ જ રહેવા-જમવાની સુવિધા આપવામાં આવી રહી છે. 

સુરતમાં કોવિડ માટેની ખાસ ફરજ પરના અધિકારી આર‍. જે. માંકડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કમ્યુનિટી આઇસોલેશન સેન્ટર એક નવો પ્રયોગ છે જે દેશમાં પહેલી વાર થઈ રહ્યો છે અને એમાં સફળતા મળી છે. જુદા-જુદા સમાજે એની જવાબદારી ઉઠાવી છે. કોરોનાની હળવી અસર ધરાવનાર વ્યક્તિને અહીં ફ્રીમાં રાખી શકાય છે. જેમને કોરોનાની હળવી અસર હોય કે શંકાસ્પદ હોય અને ડૉક્ટરે આઇસોલેશન કે હોમ-આઇસોલેશનમાં રહેવાનું કહ્યું હોય, પણ જેમનાં ઘર નાનાં હોય અને ઘરે સુવિધા ન હોય એવી ફૅમિલી પ્રાઇવેટ હૉસ્પિટલના ખર્ચ કર્યા વગર કમ્યુનિટી આઇસોલેશન સેન્ટરમાં નિઃશુલ્ક રહીને સારવાર કરાવી શકે છે. સુરતમાં જુદા-જુદા સમાજો આ કાર્ય માટે આગળ આવ્યા છે અને કમ્યુનિટી આઇસોલેશન સેન્ટર શરૂ કર્યાં છે. આના દ્વારા અમે ૭૦૦ જેટલા બેડ ઉપલબ્ધ કરાવ્યા છે. આ સેન્ટરમાં દવા કૉર્પોરેશન આપે છે.’
સુરતના અડાજણમાં જૈન સમાજ દ્વારા ઑક્સિજન સાથેનું આઇસોલેશન સેન્ટર શરૂ કર્યું છે. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘના પ્રમુખ નીતિન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે અમારા આઇસોલેશન સેન્ટરમાં ૪૫ દરદીઓ સારવાર લઈ રહ્યા છે. અમારા સેન્ટરમાં રોજની ૧૫ દરદીઓની અવરજવર રહે છે. સેન્ટરમાં ૨૪ કલાક ડૉક્ટર તેમ જ નર્સિંગ સ્ટાફ રાખ્યો છે. સમાજના એવા પરિવારો છે જેઓ નાના ઘરમાં રહેતા હોય અને તેમને કોરોના થયો હોય ત્યારે ઘરમાં સંક્રમણ થવાની શક્યતા રહેલી છે. ઘરમાં આઇસોલેશન થવાની સગવડ ન હોય એવી વ્યક્તિને અહીં આઇસોલેટ કરીએ છીએ. ડૉક્ટરે જેમને રિફર કર્યા હોય તેમને અહીં રાખીએ છીએ. અહીં જો પેશન્ટની તબિયત બગડે અને ઑક્સિજનની જરૂર પડે તો અમે ઇમર્જન્સીમાં ઑક્સિજન પૂરો પાડીએ છીએ જેથી પેશન્ટની જિંદગી બચી જાય. આ મહામારીમાં ગરીબ અને મધ્યમ વર્ગના દરદીઓ માટે પ્રાઇવેટ હૉસ્પિટલમાં મોટાં બિલ આવે છે ત્યારે અહીં સમાજના સેન્ટરમાં સમાજના જરૂરિયાતમંદ દરદીઓને ફ્રીમાં સારવાર ઉપરાંત રહેવા-જમવાની સગવડ આપીએ છીએ. એક પણ રૂપિયાનો ચાર્જ વસૂલ કરતા નથી. દવા, ઑક્સિજન, ડૉક્ટરની વિઝિટ બધું જ ફ્રી કરીએ છીએ. અત્યારે આવી પડેલી આવી પરિસ્થિતિમાં સમાજની સાથે રહીને સેવા કરવી એ અમારી ફરજ છે. સેવા કરવાનો મોકો મળ્યો છે એટલે સમાજને મદદ કરીએ એવા સેવાભાવથી કામ કરીએ છીએ.’

સુરતના કતારગામમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા પાટીદાર કોરોના કૅર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં ૧૧૦ બેડની સગવડ છે. પાટીદાર સમાજના અગ્રણી જયેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કતારગામ, વરાછા, અમરોલી જેવા વિસ્તારોમાં એક-રૂમ-રસોડાના કે બે રૂમમાં રહેતા નાના માણસોને કોરોનાનાં લક્ષણ દેખાયાં હોય અને ડૉક્ટરે આઇસોલેશનમાં રહેવાનું કહ્યું હોય તો તેઓ ક્યાં જાય? આવા દરદીઓ માટે સમાજ દ્વારા ફ્રીમાં સારવાર, રહેવા-જમવાની તથા ચા-નાસ્તાની વ્યવસ્થા કરી છે. સવાર-સાંજ સમાજના ડૉક્ટરો ચેકઅપ માટે આવે છે.’
સુરતમાં નવાપુરામાં દાઉદી વોહરા સમાજે ગઈ કાલથી કમ્યુનિટી આઇસોલેશન સેન્ટર શરૂ કર્યું છે. સમાજના અગ્રણી મુસ્તફાભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારે ત્યાં ૫૦ બેડ છે અને માઇલ્ડ સિમ્ટમ્સવાળા દરદીને અહીં રખાશે. સેવાભાવથી આ સેન્ટર શરૂ કર્યું છે.’
ઉલ્લેખનીય છે કે ગઈ કાલ સુધીમાં સુરત શહેરમાં કોરોના-પૉઝિટિવના કુલ ૮૫૧૬ કેસ નોંધાયા છે અને ૩૮૧ દરદીઓનાં મૃત્યુ થયાં છે.

First Published: 20th July, 2020 08:16 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK