ગુજરાત: વતન જવાને લઈ શ્રમિકોમાં ધીરજ ખૂટી, અમદાવાદમાં પથ્થરમારો

19 May, 2020 09:09 AM IST  |  Ahmedabad | Agencies

ગુજરાત: વતન જવાને લઈ શ્રમિકોમાં ધીરજ ખૂટી, અમદાવાદમાં પથ્થરમારો

હિંસાનો જવાબ : રાજકોટ પછી અમદાવાદમાં ગઈ કાલે પરપ્રાંતીયો તોફાને ચડતા પોલીસે તેમના પર લાઠીમાર કરીને તેમને લૉકઅપ ભેગા કર્યા હતા. તસવીર : એ.એફ.પી.

વતન જવાને લઈ હવે શ્રમિકોમાં ધીરજ ખૂટી ગઈ છે. એક નાનકડી અફવાને લઈને પણ શ્રમિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. રાજકોટ બાદ હવે આજે અમદાવાદના આઇઆઇએમ રોડ પર શ્રમિકોનો હોબાળો સામે આવી રહ્યો છે. આજે અમદાવાદના આઇઆઇએમ રોડ પર પરપ્રાંતીય શ્રમિકોએ પથ્થરમારો કર્યો હતો, જેથી પોલીસે શ્રમિકો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે સ્થિતિને પહોંચી વળવા માટે ટિયરગૅસના સેલ છોડવા પડ્યા હતા. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે વતનમાં જવાની માગ સાથે શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ ચાલું કરી દીધું છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે વતન જવાની જિદને લઈને હવે શ્રમિકોએ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આઇઆઇએમ પાસે શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે, ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને પોલીસે ૪ જેટલા ટિયરગૅસના સેલ છોડ્યા છે. સમગ્ર વિસ્તારમાં પોલીસે કોમ્બિન્ગ શરૂ કર્યું છે. ઘટનાની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ, ઝોન ૧ સ્કવોડ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈ લીધી છે.

આજે શ્રમિકોના ટોળાં આઇઆઇએમ રોડ પર આવી ગયાં હતાં. પોલીસે તમામને રોકવાનો પ્રયાસ કરતાં ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા ટિયરગૅસના સેલ છોડ્યા હતા જેથી શ્રમિકોનું ટોળું વિખેરાઈ ગયું હતું. મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તપાસમાં કન્સ્ટ્રક્શન સાઇટમાં રહેતા મજૂરોની ઓરડીમાં પોલીસે કોમ્બિન્ગ શરૂ કરી ૩૦થી વધુ પરપ્રાંતીયોની અટકાયત કરી છે. હાલમાં આખા વિસ્તારમાં રહેલા તમામ શ્રમિકોને પોલીસ ઉઠાવી પોલીસ સ્ટેશન લઈ જઈ રહી છે. આ પથ્થરમારામાં ટીઆરબીની મહિલા જવાન ઘાયલ થઈ હતી. ઘટના બાદ ચાર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચીને ૧૦૦ જેટલા શ્રમિકોની અટકાયત કરવામાં આવી હતી, જે બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે અટકમાં લીધેલા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને જેટલા પણ તોફાની તત્ત્વો હશે તેમની ગુનો નોંધી ધરપકડ કરવામાં આવશે.

gujarat ahmedabad coronavirus covid19 lockdown