અમદાવાદ : ગુજરાત સરકારના અનલૉક સામે વેપારીઓનું લૉકડાઉન

24 July, 2020 07:03 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અમદાવાદ : ગુજરાત સરકારના અનલૉક સામે વેપારીઓનું લૉકડાઉન

ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં વધતું જતું કોરોના-સંક્રમણ અટકાવવા માટે બપોર બાદ બજારો બંધ રાખવાનો નિર્ણય લઈને એ અમલમાં મુકાયો છે. પાટણમાં આવેલાં વિવિધ બજારો બપોર બાદ બંધ રહ્યાં હતાં.

ગુજરાતમાં કોરોનાની મહામારી વધતી જઈ રહી છે તથા નગરપાલિકાઓ અને ગ્રામીણ વિસ્તારો સુધી કોરોનાનો પગપેસારો થઈ ચૂક્યો છે ત્યારે કોરોનાના સંક્રમણની ચેઇન તોડવા માટે ગુજરાતના લાખ્ખો નાગરિકોએ સામૂહિક રીતે અનોખી પહેલ કરી છે. વધતાજતા કોરોનાના સંક્રમણને કારણે ગુજરાતનાં નાનાં શહેરો અને નગરોના નાગરિકો–વેપારીઓએ બપોર બાદ બંધ પાળીને સ્વયંભૂ રીતે આંશિક લૉકડાઉન શરૂ કર્યું છે. સંક્રમણ અટકાવવા માટે ગુજરાતમાં નાનાં નગરો અને શહેરોમાં બપોર બાદ વેપાર-ધંધા બંધ રાખવાનું છેલ્લા કેટલાક દિવસથી શરૂ થયું છે.

ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવાં મોટાં શહેરોમાં કોરોનાનું સંક્રમણ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, એટલું જ નહીં, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતનાં નગરોમાં પણ કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં નગરો અને ગામડાંઓમાં કોરોનાની ચેઇન અટકાવવા સ્થાનિક નાગરિકો, વેપારી મંડળો અને માર્કેટ યાર્ડે નાગરિકોના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાનમાં રાખીને સ્વયંભૂ ધંધા-રોજગાર બપોર બાદ બંધ રાખવાનું સ્વૈચ્છિક રીતે શરૂ કર્યું છે, એટલું જ નહીં, ગુજરાતમાં આવેલા સ્વામીનારાયણ સંપ્રદાયનાં મંદિરો તેમ જ અન્ય સંપ્રદાયનાં મંદિરોએ પણ દર્શનાર્થીઓ માટે દર્શન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યનાં અનેક નગરો અને નાનાં શહરોમાં ક્યાંક પાંચ દિવસ માટે તો ક્યાંક એક અઠવાડિયા માટે તો ક્યાંક ૩૧ જુલાઈ સુધી બજારો, દુકાનો, પાનના ગલ્લા, નાસ્તાની લારીઓ, માર્કેટ યાર્ડ સહિતના ધંધા-રોજગાર બપોર બાદ બંધ રાખીને સ્વૈચ્છિક રીતે લૉકડાઉન પાળવાનું શરૂ કર્યું છે તો ક્યાંક સમગ્ર દિવસ દરમ્યાન બંધ રાખવાનું શરૂ કરવામાં આવ્યું છે.

હવે બુધવારથી ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં બપોર બાદ સ્વૈચ્છિક રીતે વેપાર-ધંધા બંધ રાખવાનું શરૂ કર્યું છે.

પાટણ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક દિવસથી રોજ ૧૫થી ૨૦ કોરોના-કેસ આવે છે. પાટણમાં સંક્રમણ વધવાને કારણે પાલિકાની બેઠક બોલાવાઈ હતી અને કોરોના-સંક્રમણની ચેઇન તોડવા માટે મીટિંગ કરવામાં આવી હતી. પાટણમાં મોડી રાત સુધી બજારો ભરાય છે, એમાં ઘણા નાગરિકો માસ્ક પણ પહેરતા નથી. કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં લીધા સિવાય ઘણા નાગરિકો ટોળે વળીને બેઠા હોય છે. બહારથી નાગરિકો આવે ને ક્યાંક તેમનાથી પણ ચેપ લાગી શકે છે. આ બધી બાબતે ચર્ચાવિચારણા થઈ હતી અને એવો નિર્ણય લેવાયો હતો કે ૩૧ જુલાઈ સુધી પાટણ શહેરમાં તમામ બજારો બપોરે બે વાગ્યા બાદ બંધ રાખવાં. દુકાનો ઉપરાંત પાનના ગલ્લા, નાસ્તાની લારીઓ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે જેથી સંક્રમણ અટકાવી શકાય.’

ક્યાં-ક્યાં સ્વયંભૂ બંધ?
પાટણ, મહેસાણા, પાલનપુર, ડીસા, ધ્રાંગધ્રા, લીમડી, પોરબંદર, ખંભાળિયા, ઊના, બોટાદ, રાજપીપળા, લુણાવાડા, છોટાઉદેપુર, બોડેલી, ડભોઈ.

shailesh nayak gujarat mehsana coronavirus covid19 lockdown ahmedabad